Suryakumar Yadav, IND vs PAK Final: એશિયા કપ 2025 ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું. આ શાનદાર જીતની સાથે જ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક એવો નિર્ણય લીધો જેણે 140 કરોડ ભારતીયોનું દિલ જીતી લીધું. સૂર્યકુમારે પોતાની સંપૂર્ણ મેચ ફી ભારતીય સેના અને પહેલગામ આતંકી હુમલાના પીડિતોને દાન કરવાની જાહેરાત કરી. એટલું જ નહીં, ભારતીય ટીમે પાકિસ્તાનના મંત્રી અને ACC પ્રમુખ પાસેથી ટ્રોફી સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો.
સૂર્યકુમાર યાદવની મોટી જાહેરાત
ભારતે 28 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને 9મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી કે મેં આ ટૂર્નામેન્ટમાંથી મળેલી મારી મેચ ફી આપણી સેના અને પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. જય હિન્દ.
T20 ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓને દરેક મેચ માટે 4 લાખ રૂપિયા ફી મળે છે. આ ટૂર્નામેન્ટમાં સાત મેચ રમવા બદલ સૂર્યકુમાર યાદવ ભારતીય સેનાને કુલ 28 લાખ રૂપિયા દાન કરશે.
I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts ??
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
Jai Hind ??
ભારતીય ટીમે ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર
ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. મોહસિન નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે અને ACC અધ્યક્ષ હોવાના નાતે ટ્રોફી આપવા માંગતા હતા, પરંતુ ભારતીય ટીમે ના પાડી દીધી.
આ કારણે એવોર્ડ સમારોહ લગભગ એક કલાક સુધી અટકી ગયો હતો. મોહસિન નકવી લગભગ અડધો કલાક સુધી સ્ટેજ પર ઊભા રહ્યા હતા. અંતે પ્રેઝેન્ટરે જાહેરાત કરી કે ભારતે ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો છે, જેથી પુરસ્કાર સમારોહ સમાપ્ત કરવામાં આવે છે. આ પછી ભારતીય ટીમે ટ્રોફી વગર જ ફોટો પડાવીને ઉજવણી કરી. ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે વિજેતા ટીમે ટ્રોફી વગર જશ્ન મનાવ્યો હોય.
