IND vs PAK Final: ભારતની જીત સહન ન થઈ, ટ્રોફી અને મેડલ લઈને ભાગ્યા PCB અધ્યક્ષ મોહસીન નકવી

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવી ભારતીય ખેલાડીઓની ટ્રોફી અને મેડલ લઈને જતા રહ્યા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 29 Sep 2025 08:56 AM (IST)Updated: Mon, 29 Sep 2025 08:56 AM (IST)
ind-vs-pak-final-asia-cup-2025-mohsin-naqvi-ran-with-asia-cup-2025-trophy-bcci-alleges-pcb-stole-medals

IND vs PAK Final: 28 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025 નો ખિતાબ રેકોર્ડ 9મી વખત જીત્યો. રિંકુ સિંહે વિનિંગ શોટ ફટકારીને ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત અપાવી હતી. જોકે આ શાનદાર જીત પછી BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવી ભારતીય ખેલાડીઓની ટ્રોફી અને મેડલ લઈને જતા રહ્યા.

BCCI દ્વારા ટ્રોફી અને મેડલની ચોરીનો આરોપ

આ ઘટના એશિયા કપ 2025ની ફાઈનલ મેચ બાદ બની, જેમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. મેચ જીત્યા છતાં ભારતીય ટીમને ઉજવણીનો મોકો મળ્યો નહોતો કારણ કે પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન સેરેમની રાત્રે 12 વાગ્યા સુધી પણ શરૂ થઈ ન હતી. આ વિલંબ અંગે અલગ-અલગ અહેવાલો સામે આવ્યા હતા. કેટલાકનું કહેવું હતું કે ભારતીય ટીમ ACC ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવા માંગતી ન હતી, જ્યારે અન્ય લોકોએ આ માટે પાકિસ્તાની ટીમને જવાબદાર ઠેરવી.

આ મામલે સ્પષ્ટતા કરતાં BCCIના સચિવ દેવજીત સૈકિયાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ભારતીય ટીમે નક્કી કર્યું હતું કે તેઓ નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે, કારણ કે તેઓ પાકિસ્તાનના મુખ્ય રાજકીય નેતાઓમાંથી એક છે. જોકે તેમણે ઉમેર્યું કે આનો અર્થ એ નથી કે તેઓ ટ્રોફી અને મેડલ લઈને જતા રહે. તેમણે PCB અધ્યક્ષ પર ટ્રોફી લઈને ભાગી જવાનો આરોપ લગાવ્યો.

ટ્રોફી અને મેડલ કરવામાં આવે

દેવજીત સૈકિયાએ જણાવ્યું કે અમે નક્કી કર્યું હતું કે અમે ACC ચેરમેન પાસેથી ટ્રોફી નહીં લઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ટ્રોફી અને મેડલ લઈને જતા રહે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતગમતની ભાવના વિરુદ્ધ છે. અમને આશા છે કે ટ્રોફી અને મેડલ ટૂંક સમયમાં ભારતને પરત કરવામાં આવશે. અમે આ મામલો નવેમ્બરમાં યોજાનારી ICC કોન્ફરન્સમાં ઉઠાવીશું.

દેવજીત સૈકિયાએ એ પણ જણાવ્યું કે BCCI આ સમગ્ર મામલે ઔપચારિક વિરોધ નોંધાવશે. પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ત્રીજી વખત હરાવીને ભારતે ખિતાબ જીત્યો હોવા છતાં મેચ પછીના આ વિવાદે ભારતીય ક્રિકેટ ચાહકો માટે ઉજવણીનો માહોલ ફિક્કો પાડી દીધો છે.