IND vs PAK Asian Games 2026 Final Preview: એશિયન ગેમ્સ 2026 પુરુષ ક્રિકેટ ગોલ્ડ મેડલ માટે આજે 3 ઓક્ટોબર, શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ પાસેથી ફાઈનલ મેચમાં દમદાર પ્રદર્શનની આશા છે. બીજી તરફ એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાન ટીમ પણ મજબૂત ટક્કર આપશે.
હાથ ન મિલાવવાની પરંપરા યથાવત રહેશે?
છેલ્લા વર્ષે એશિયા કપ દરમિયાન શરૂ થયેલી હાથ ન મિલાવવાની પરંપરાને કારણે આ મેચ પહેલાં કે પછી પણ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવે તેની શક્યતા અત્યંત ઓછી છે. જોકે, એશિયન ગેમ્સમાં વોલીબોલ, ટેબલ ટેનિસ અને હોકીમાં ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ પોતાની મેચ બાદ એકબીજા સાથે હાથ મિલાવતા અને ગળે મળતા જોવા મળ્યા હતા.
બંને ટીમોની ફાઇનલ મેચ સુધીની સરળ સફર
જોકે, એશિયન ગેમ્સમાં ક્રિકેટનું સ્તર ટોચની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જેવું નથી, તેમ છતાં ભારત-પાકિસ્તાન મુકાબલા અને ગોલ્ડ મેડલનું મહત્ત્વ બંને દેશો માટે વધારે છે. વરસાદના કારણે બંને ટીમને રમ્યા વગર સીધા સેમિફાઇનલ મેચમાં ઉતરવાની તક મળી, અને સરળતાથી આ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આમ, બંને ટીમોને ગોલ્ડ મેડલ જીતવા માટે માત્ર બે જ મેચ રમવી પડી છે.
IND vs PAK: બંને ટીમમાં મજબૂત ખેલાડીઓ
ભારતના અંતરિમ હેડ કોચ વીવીએસ લક્ષ્મણ અને નવા T20 કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ ફાઈનલ મુકાબલો પડકારજનક રહેશે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમની આગેવાની કેપ્ટન સાહિબઝાદા ફરહાન કરી રહ્યા છે, અને તેમની ટીમમાં PSL માં સારું પ્રદર્શન કરી ચૂકેલા ઘણા યુવા ખેલાડી પણ સામેલ છે.
જોકે, પાકિસ્તાન પાસે ભારતીય ટીમની જેમ મોટા આંતરરાષ્ટ્રીય સિતારાઓની ફોજ નથી. ભારતે આ સ્પર્ધા માટે પોતાની મુખ્ય ટીમ મોકલી છે, જેમાં જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ઝડપી બોલર પણ ટીમનો હિસ્સો છે.
IND vs PAK Final: ક્યારે અને ક્યાં રમાશે મેચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ 3 ઓક્ટોબર, શનિવારના રોજ નિશિન ખાતેના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક (Korogi Sports Park, Nisshin) ખાતે રમાશે.
IND vs PAK Final: મુકાબલો શરૂ થવાનો સમય
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે (10:00 AM IST) શરૂ થશે.
નિશિન સિટી, કોરોગી સ્પોર્ટ્સ પાર્ક: પિચ રિપોર્ટ
નિશિન સિટીના કોરોગી પાર્કની પિચની પરિસ્થિતિ બંને ટીમો વચ્ચેના અંતરને ઘણું ઓછું કરી શકે છે, અને પાકિસ્તાનને બરાબરીનો મોકો આપી શકે છે. આ પીચ પર કેપ્ટન સાહિબઝાદા ફરહાન, માજ સદાકત, હસન નવાઝ, સાઇમ અય્યુબ અને અરાફાત મિન્હાસ જેવા ખેલાડીને ભારતીય ટીમ સામે સખત ટક્કર આપવાની તક મળી શકે છે.
કોરોગી પાર્કની પીચ પર ભેજ અને તીવ્ર તડકાના કારણે અસમાન ઉછાળા સાથે બોલને સારો ટર્ન પણ મળી રહ્યો છે. આવા વાતાવરણમાં ભારત માટે અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ જેવા સ્પીનરોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. જો પીચ પર વધુ ટર્ન મળશે, તો અભિષેક શર્મા પણ પોતાની બોલિંગથી ઉપયોગી સાબિત થઈ શકે છે.
IND vs PAK Final: બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોડ
ભારતીય ટીમ (India Squad): શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વિપ્રજ નિગમ, યશ ઠાકુર, અર્શદીપ સિંહ.
પાકિસ્તાન ટીમ (Pakistan Squad): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), સાઇમ અય્યુબ, માજ સદાકત, ઉસ્માન ખાન, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, મોહમ્મદ વસીમ, અહમદ દાનિયાલ, સુફિયાન મોકિમ, અબરાર અહમદ, આકિફ જાવેદ, અલી રઝા, સાદ મસૂદ, હૈદર અલી.
