IND vs NZ Wellington Test: વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં 352 રનની વિશાળ સરસાઈ મેળવ્યા બાદ પણ ભારતીય ક્રિકેટ ટીમ જીત હાંસલ કરી શકી નહીં. ન્યુઝીલેન્ડે બીજી ઇનિંગ્સમાં 120 ઓવર સુધી બેટિંગ કરીને 5 વિકેટે 239 રન બનાવ્યા અને મેચ ડ્રો કરાવી લીધી. અંતિમ સત્રમાં 39 ઓવર બાકી હોવા છતાં ભારતીય બોલરો ન્યુઝીલેન્ડની બાકીની પાંચ વિકેટ ઝડપી શક્યા નહીં.
ભારતે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના 368 રનના જવાબમાં પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 720 રન નોંધાવીને 352 રનની મજબૂત સરસાઈ મેળવી હતી. મેચ પર ભારતની પકડ એટલી મજબૂત હતી કે જીત લગભગ નિશ્ચિત મનાતી હતી. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં માત્ર વિશાળ સ્કોર ઉભો કરવો પૂરતો નથી, વિરોધી ટીમની તમામ 10 વિકેટ પણ પાડવી પડે છે અને ભારતીય ટીમ આ કામમાં નિષ્ફળ રહી. બીજી ઇનિંગ્સમાં ડેરિલ મિચેલ (49* રન) અને ગ્લેન ફિલિપ્સ (26* રન) અણનમ રહ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 259 બોલમાં 63 રનની ભાગીદારી નોંધાવીને મેચ બચાવી લીધી અને ભારતની 352 રનની સરસાઈ માત્ર કાગળ પર જ રહી ગઈ.
39 ઓવર સુધી શું કરતા રહ્યા ભારતીય બોલરો?
અંતિમ સત્રની શરૂઆતમાં ભારત પાસે 39 ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને જીત મેળવવાની તક હતી. યજમાન ન્યુઝીલેન્ડનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો દરેક બોલ ડિફેન્ડ કરવો અને સમય પસાર કરીને મેચ બચાવવી. મિચેલ અને ફિલિપ્સે ભારતીય બોલરોને કોઈ તક આપી નહીં.
અહીં માત્ર કીવી બેટ્સમેનોના સંઘર્ષની વાત નથી, પરંતુ ભારતીય બોલરોની યોજના અને કેપ્ટનશીપ પર પણ સવાલ ઉઠે છે. જ્યારે વિરોધી ટીમ જીતની રેસમાંથી બહાર થઈને માત્ર ડ્રો માટે રમી રહી હોય, ત્યારે ફિલ્ડિંગમાં ફેરફાર, બોલિંગમાં વિવિધતા અને બેટ્સમેનોને ભૂલ કરવા મજબૂર કરવાની રણનીતિ જરૂરી હતી, જે ભારત બનાવી શક્યું નહીં.
અંતિમ દિવસે બુમરાહની માત્ર 11 ઓવર અને સુંદરના 55 ઓવર
આખા મેચમાં વોશિંગ્ટન સુંદરે 55 ઓવર બોલિંગ કરી, જ્યારે બીજી ઇનિંગ્સના અંતિમ દિવસે જસપ્રીત બુમરાહે માત્ર 11 ઓવર જ નાખી. જીત માટે વિકેટ જરૂરી હતી ત્યારે બોલિંગનો ભાર કઈ વિચારસરણી હેઠળ વહેંચાયો, તે અંગે ચર્ચા શરૂ થઈ છે. વેલિંગ્ટનમાં રમાઈ રહેલી મેચમાં જ્યારે ઝડપી બોલરોને પિચમાંથી ખાસ મદદ મળી રહી નહોતી, ત્યારે માત્ર સ્પિન પર નિર્ભર રહેવું કેટલું યોગ્ય હતું, તેવો સવાલ પણ ઉભો થયો છે. બુમરાહ જેવા બોલરનો ઉપયોગ બેટ્સમેનો પર સતત દબાણ બનાવવા માટે થવો જોઈતો હતો.
કેપ્ટન શુભમન ગિલની દલીલ અને પ્રાથમિકતા પર સવાલ
મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે પિચમાંથી થોડી વધુ મદદ મળી હોત તો પરિણામ અલગ હોત, પરંતુ ઝડપી બોલરો થાકી ગયા હતા. તમામ ફાસ્ટ બોલરો આ મેચમાં આશરે 50-50 ઓવર નાખી ચૂક્યા હતા અને 5-10 ઓવર વધારે કરાવવાથી પરિણામ પર ખાસ ફરક પડત નહીં તેમ તેમણે જણાવ્યું. આગામી ટેસ્ટને ધ્યાનમાં રાખીને બોલરોના વર્કલોડ મેનેજમેન્ટની વાત પણ રજૂ કરાઈ. જોકે, 352 રનની સરસાઈ બાદ જીત મેળવવી પ્રાથમિકતા હોવી જોઈતી હતી કે આગામી મેચ માટે બોલરોને સાચવવા, તે અંગે મતમતાંતર છે.
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી અને મેચ વિનર ખેલાડીઓ ધરાવતી ટીમ માટે 720 રન કર્યા બાદ પણ મેચ ડ્રો થવી એ મોટી તક ગુમાવવા સમાન છે. ન્યુઝીલેન્ડની ધીરજભરી બેટિંગને દાદ આપવી પડે, પરંતુ ભારતે પોતાની રણનીતિ અને ભૂલોનું આત્મમંથન કરવું જરૂરી છે.
