Sanju Samson, IND vs NZ Final: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના રોમાંચક ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ફરી એકવાર વિશ્વ વિજેતાનું બિરુદ મેળવ્યું છે. આ ભવ્ય જીતના હીરો તરીકે ઉભરી આવેલા વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો છે. જોકે, આ સફળતા પાછળ સંજુનો મોટો સંઘર્ષ અને ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનું માર્ગદર્શન છુપાયેલું છે.
જ્યારે સપના ચકનાચૂર થતા દેખાયા
આ પણ વાંચો
ટુર્નામેન્ટ જીત્યા બાદ સંજુ સેમસને એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તે માનસિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની અગાઉની શ્રેણી તેના માટે અત્યંત ખરાબ રહી હતી, જ્યાં તે 5 ઇનિંગ્સમાં માત્ર 46 રન જ બનાવી શક્યો હતો. સંજુએ કહ્યું, "ન્યુઝીલેન્ડ સીરીઝ પછી હું સાવ તૂટી ગયો હતો. મારી માનસિક સ્થિતિ ઠીક નહોતી અને મને લાગ્યું કે મારા બધા સપના પૂરા થઈ ગયા છે. હું વિચારતો હતો કે હવે મારે શું કરવું જોઈએ? પરંતુ ભગવાનનો પ્લાન કંઈક અલગ જ હતો."
સચિન તેંડુલકરનો 'ગુરુમંત્ર' કામ આવ્યો
પોતાની વાપસી અને સફળતાનો શ્રેય સંજુએ સચિન તેંડુલકરને આપ્યો છે. સંજુએ જણાવ્યું કે તે છેલ્લા 2 મહિનાથી સતત સચિન તેંડુલકરના સંપર્કમાં હતો. જ્યારે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમની બહાર બેઠો હતો, ત્યારે તેણે સચિન પાસેથી સલાહ લીધી હતી કે આવી સ્થિતિમાં કેવી માનસિકતા રાખવી જોઈએ. ફાઈનલ મેચના આગલા દિવસે પણ સચિને તેને ફોન કરીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. સંજુના મતે, સચિન જેવા મહાન ખેલાડીનું માર્ગદર્શન મળવું તેના માટે સૌથી મોટી વાત હતી.
રેકોર્ડબ્રેક પ્રદર્શન: ભારતનો ટોપ સ્કોરર
T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆતમાં સંજુને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું કારણ કે ટીમ ઈશાન કિશન અને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી રહી હતી. જોકે, ટીમની રણનીતિ બદલાતા સંજુને તક મળી અને તેણે મેદાન પર તબાહી મચાવી દીધી. તેણે આ ટુર્નામેન્ટમાં માત્ર 5 ઇનિંગ્સમાં 321 રન ફટકારીને ભારતનો ટોપ સ્કોરર બન્યો હતો. તેના મહત્વના સ્કોર નીચે મુજબ રહ્યા:
- વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન
- ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 89 રન
- ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં 89 રન
સંજુએ અંતમાં ભાવુક થતા કહ્યું કે તે છેલ્લા 2 વર્ષથી આ ક્ષણની કલ્પના કરી રહ્યો હતો. 2024 ના વર્લ્ડ કપમાં તે ટીમમાં હોવા છતાં એક પણ મેચ રમી શક્યો નહોતો, પરંતુ આ વખતે તેણે પોતાની મહેનતથી દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતની આ જીત સાથે કેપ્ટન સૂર્યકુમાર યાદવે એમ.એસ. ધોનીની બરાબરી કરી છે અને ગૌતમ ગંભીરે પણ કોચ તરીકે ઇતિહાસ રચ્યો છે.
