IND vs NZ 4th ODI Pitch-Weather Report: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ODI સિરીઝની ચોથી વન-ડે મેચ 13 નવેમ્બર, શુક્રવારના રોજ માઉન્ટ મૌંગાનુઈ બે ઓવલ સ્ટેડિયમ પર રમાશે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને સિરીઝમાં 2-0 ની સરસાઈ મેળવી લીધી છે. જ્યારે હેમિલ્ટન ખાતે રમાયેલી ત્રીજી મેચ એક પણ બોલ ફેંકાયા વિના અને ટોસ થયા વિના જ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.
પીચ અને બોલરોનું પ્રભુત્વ: બેટ્સમેનો માટે કપરા ચઢાણ
T20 સિરીઝની સપાટ પિચોની સરખામણીએ ODI સિરીઝની પિચો બોલરોને વધુ મદદ કરી રહી છે, જ્યાં બોલ સ્વિંગ, સીમ અને બાઉન્સ થઈ રહ્યો છે. બીજી ODI મેચમાં પચાસ રન બનાવ્યા બાદ ન્યૂઝીલેન્ડના મિચેલે જણાવ્યું હતું કે, અહીં બેટિંગ કરવી ખૂબ જ પડકારજનક છે અને કેટલીકવાર એવું લાગે છે જાણે ટ્રેમ્પોલિન પર બેટિંગ કરી રહ્યા હોઈએ.
આ સિરીઝમાં અત્યાર સુધી એક પણ ઈનિંગ્સમાં કોઈ ટીમ 200 રનનો આંકડો પાર કરી શકી નથી. ભારતેબે મેચમાં 200 થી ઓછા રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે. બંને ટીમો ઈચ્છશે કે ચોથી ODI મેચમાં તેમના બેટ્સમેનો સારું પ્રદર્શન કરે. જો ભારત આ મેચ જીતશે તો સિરીઝ પોતાના નામે કરી લેશે, જ્યારે ન્યૂઝીલેન્ડ આ મેટ જીતશે તો સિરીઝ જીવંત રહેશે.
Weather Report: ચોથી મેચમાં વરસાદ બનશે વિલન?
ત્રીજી ODI મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ચોથી ODI મેચમાં હવામાન કેવું રહેશે તેને લઈને ફેન્સમાં ચિંતા હતી. 13 નવેમ્બર, શુક્રવાર 2026 ના રોજ Bay Oval ખાતે મેચ દરમિયાન હવામાન સાફ રહેવાની શક્યતા છે અને વરસાદની સંભાવના માત્ર 10 ટકા જ છે. આથી ચાહકોને આ મેચમાં પૂરી 50 ઓવરની રમત જોવા મળી શકે છે. મેચ દરમિયાન મહત્તમ તાપમાન 22°C અને રાત્રિના સમયે ઘટીને 11°C સુધી જઈ શકે છે.
ચોથી અને પાંચમી મેચ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર
ટેસ્ટ સિરીઝની તૈયારી માટે નિયમિત કેપ્ટન શુભમન ગિલની ગેરહાજરીમાં ODI સિરીઝની છેલ્લી બે મેચ માટે શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે ઈશાન કિશનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, અને તે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે. અગાઉ શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતે T20 સિરીઝ 3-2 થી પોતાના નામે કરી હતી. ઈશાન કિશન વિકેટકીપર બનતાં મિડલ ઓર્ડરમાં કે.એલ. રાહુલના સ્થાને અન્ય ખેલાડીને તક મળી શકે છે.
