IND vs NZ 1st Test: ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા 2 દિવસમાં ટીમ ઈન્ડિયાને ભારે નુકસાન સહન કરવું પડ્યું, તેની પાછળ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલની 4 ભૂલને કારણભૂત માનવામાં આવે છે. કેપ્ટન શુભમન ગિલ પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ રહ્યા છે અને કોઈની વાત સાંભળતા નથી. શુભમન ગિલે આ તમામ ભૂલો DRS (ડિઝિશન રિવ્યૂ સિસ્ટમ) અંગે કરી છે.
ન્યૂઝીલેન્ડની 1st ઈનિંગ્સ: 368 રન અને 2 સદી
પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે પોતાની 1st ઈનિંગ્સમાં 368 રન બનાવ્યા, જેમાં બે બેટ્સમેનોએ એક-એક સદી ફટકારી હતી. હેનરી નિકલ્સે અણનમ 175 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે ગ્લેન ફિલિપ્સે 118 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેન સિવાય ન્યૂઝીલેન્ડનો અન્ય કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં અને કોઈ અર્ધસદી પણ ફટકારી શક્યો ન હતો.
1st Day (ગુરુવાર): DRS રિવ્યૂમાં પ્રથમ બે મોટી ભૂલ
મેચના પ્રથમ દિવસ એટલે કે ગુરુવારે જસપ્રીત બુમરાહના બોલ પર કેપ્ટન ગિલે લીધેલો રિવ્યૂ નિષ્ફળ સાબિત થયો. બુમરાહે નાખેલોઈનસ્વિંગ બોલ ગ્લેન ફિલિપ્સ રમી શક્યા ન હતા અને ભારતીય ખેલાડીઓએ અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને નકારી કાઢી હતી. બુમરાહે ગિલને બોલની ઊંચાઈના કારણે રિવ્યૂ અંગે સ્પષ્ટ ના પાડી હોવા છતાં ગિલે રિવ્યૂ લીધો, જે નિષ્ફળ રહ્યો હતો. જોકે, બીજા એંગલથી કેટલીક બાબતો સ્પષ્ટ ન હોવાથી ગિલ ગુસ્સે પણ થયા હતા.
ત્યારબાદ, અંશુલ કમ્બોજના બોલ પર રચિન રવિન્દ્ર આઉટ થઈ ગયા હતા. કમ્બોજના બોલે રવિન્દ્રના બેટની કટ વાગી અને વિકેટકીપર ઋષભ પંત સહિત તમામ ખેલાડીઓએ અપીલ કરી, પરંતુ મેદાની અમ્પાયરે તેને ના પાડી હતી. પંત અને સ્લિપ ફીલ્ડરોએ ગિલને રિવ્યૂ લેવા કહ્યું, પરંતુ તેમણે રિવ્યૂ લીધો નહીં. જોકે, અલ્ટ્રા એજમાં ખુલાસો થયો હતો કે બોલ બેટને અડીને જ ગયો હતો.
2nd Day (શુક્રવાર): DRS રિવ્યૂની ત્રીજી-ચોથી ભૂલ
મેચના બીજા દિવસ એટલે કે શુક્રવારે પણ કેપ્ટન ગિલ રિવ્યૂના મામલે પાછળ રહ્યા હતા અને તેમણે આકાશ દીપની બોલિંગ પર ભૂલો કરી હતી. આકાશ દીપે નાથન સ્મિથના પેડ પર બોલ માર્યો અને ભારતીય ટીમે અપીલ કરી, પરંતુ અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેને નકારી દીધી હતી. આકાશ દીપે કેપ્ટન ગિલને કહ્યું કે બોલ કદાચ ઊંચો હતો, તેમ છતાં ગિલે રિવ્યૂ લીધો, જે એળે ગયો હતો.
આ પછી આકાશ દીપે મૅટ હેનરીને એક શોર્ટ બોલ ફેંક્યો જેના પર ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ચૂકી ગયો હતો. બોલરે અપીલ કરી ન હતી પરંતુ પંતે અપીલ કરી હતી. ફર્સ્ટ સ્લિપમાં ઊભેલા કેપ્ટન શુભમન ગિલને લાગ્યું કે બેટની કિનારી લાગી છે જેથી તેમણે રિવ્યૂ લીધો જે નિષ્ફળ સાબિત થયો હતો. રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે સ્પષ્ટ મોટું અંતર જોવા મળ્યું હતું.
