IND vs ENG: આકાશદીપે 14 વર્ષ બાદ કર્યું આ કામ, ગંભીર પણ હસી પડ્યો; ગિલ અને જાડેજાનું જશ્ન વાયરલ

આકાશદીપે અત્યાર સુધી પોતાની બોલિંગથી ઈંગ્લેન્ડને મુશ્કેલીમાં મુક્યું હતું પરંતુ આ વખતે તેણે બેટથી ધમાલ મચાવી દીધી હતી.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sat 02 Aug 2025 06:47 PM (IST)Updated: Sat 02 Aug 2025 06:47 PM (IST)
ind-vs-eng-akashdeep-did-this-after-14-years-gambhir-also-laughed-gill-and-jadejas-celebration-goes-viral-578078

IND vs ENG: ભારતીય ટીમે શુક્રવારે ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે આકાશદીપને નાઈટવોચમેન તરીકે મોકલ્યો હતો. આનું કારણ એ હતું કે ઓછી ઓવર બાકી હતી અને ટીમ તેના કોઈપણ મુખ્ય બેટ્સમેનની વિકેટ ગુમાવવા માંગતી ન હતી. સામાન્ય રીતે દરેક ટીમ બાકીની ઓવરોમાં આ રણનીતિ અપનાવે છે. આકાશદીપે વિકેટ બચાવી અને ભારતને રાહત આપી.

જોકે, શનિવારે ત્રીજા દિવસે તેણે એવું કર્યું જે અપેક્ષા ન હતી. સ્વિંગ બોલિંગ માટે પ્રખ્યાત આકાશદીપે બેટથી કમાલ કરી અને ટેસ્ટ કારકિર્દીની પોતાની પહેલી અડધી સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેણે યશસ્વી જયસ્વાલ સાથે શાનદાર ભાગીદારી કરી. તેની ઇનિંગ જોઈને કોચ ગૌતમ ગંભીર પણ હસી પડ્યો હતો.

ગિલ અને જાડેજાએ પ્રતિક્રિયા આપી
આ સમય દરમિયાન ટીમના કેપ્ટન ગિલ અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આકાશદીપ દ્વારા અડધી સદી પૂર્ણ કરવા પર આપેલી પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. ગિલ અને જાડેજાએ આખી ટીમની જેમ આકાશદીપ દ્વારા અડધી સદી પૂર્ણ કરવા પર તાળીઓ પાડી અને પછી તેને હેલ્મેટ ઉતારવાનો ઈશારો કર્યો. તેઓએ કહ્યું કે આકાશદીપે પણ એ જ રીતે હેલ્મેટ ઉતારવું જોઈએ જે રીતે બેટ્સમેન સદી ફટકાર્યા પછી ઉતારે છે.

2011 પછી આવું જોવા મળ્યું
આકાશદીપે એવું કરી બતાવ્યું છે જે 2011 પછી નહોતું થયું. તે 2011 પછી ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર ભારતનો પહેલો નાઈટવોચમેન બન્યો છે. તેના પહેલા અમિત મિશ્રાએ પણ ઇંગ્લેન્ડ સામે આ કરી બતાવ્યું હતું. હવે આકાશદીપે કમાલ કરી દેખાડી છે. અડધી સદી ફટકાર્યા પછી, તે વધુ સમય ટકી શક્યો નહીં. જેમી ઓવરટને તેને ગલીમાં ગુસ એટકિન્સનના હાથે કેચ કરાવ્યો. તેની ઇનિંગમાં, આકાશદીપે 94 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા ફટકાર્યા.