Ind Vs Aus: બેટિંગમાં કઈ ખાસ કમાલ ના કરવા છતાં શુભમન ગિલે ઈતિહાસ રચ્યો, મેદાન પર આવતા જ ધોનીનો રેકોર્ડ તૂટ્યો

શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ, વન-ડે અને T-20I એમ ત્રણેય ફૉર્મેટમાં ટીમની કેપ્ટનશિપ કરનાર સૌથી યુવા કેપ્ટન બની ગયો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 19 Oct 2025 03:29 PM (IST)Updated: Sun 19 Oct 2025 03:29 PM (IST)
ind-vs-aus-team-india-captain-shubman-gill-breaks-ms-dhoni-record-623729
HIGHLIGHTS
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવાયો છે
  • શુભમન ગિલ માત્ર 10 રન બનાવીને જ પેવેલિયન પરત ફર્યો

Ind Vs Aus: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ (India vs Australia 1st ODI) આજથી શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત આજે પ્રથમ મેચ પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જો કે પ્રથમ મેચમાં જ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. પહેલી 10 ઑવરમાં જ ટીમ ઈન્ડિયાના ટોચના ત્રણ બેટ્સમેન સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા.

જેમાં રોહિત શર્મા માત્ર 8 રન અને વન-ડે ટીમના નવા કેપ્ટન બનેલ શુભમન ગીલ પણ નિષ્ફળ રહ્યો, જે નાથન એલિસના બૉલ પર માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો. આ સિવાય વિરાટ કોહલી તો ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પહોંચી ગયો હતો.

ગિલે ધોનીનો રેકોર્ડ તોડ્યો
પર્થ વન-ડેમાં શુભમન ગિલ ભલે બેટથી કંઈ ખાસ કમાલ ના કરી શક્યો હોય, પરંતુ મેદાનમાં ઉતરતાની સાથે જ તેણે એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે હાંસલ કરી લીધી છે. હકીકતમાં BCCI દ્વારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વન ડે સિરીઝમાં શુભમન ગિલની કેપ્ટન તરીકે પસંદગી કરી હતી. પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં જ્યારે શુભમન ગિલ પહેલીવાર વન-ડે ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં આવ્યો, તે સાથે જ તેણે મહેન્દ્રસિંહ ધોનીનો મોટો રેકોર્ડ તોડી દીધો છે.

આ સાથે જ શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ, વન-ડે અને T-20I એમ ત્રણેય ફૉર્મેટમાં ટીમની કેપ્ટનશિપ કરનાર સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. 26 વર્ષ 41 દિવસની વયે આ રિકોર્ડ પોતાના નામે કરવાની સાથે જ ગિલે ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીએ 26 વર્ષ 279 દિવસની વયે ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી. જ્યારે વિરેન્દ્ર સહવાગે 28 વર્ષ અને 43 દિવસની વય સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

જો આજની મેચની વાત કરીએ તો, વરસાદના કારણે મેચને ઘણી વખત વચ્ચે રોકવી પડી હતી. આખરે 50 ઑવરની મેચ ઘટાડીને 26 ઑવરની કરી દેવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 26 ઑવરમાં 9 વિકેટે 136 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 31 રન બનાવ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ, મિચેલ ઑવન અને મેથ્યુ કુહેનમેને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે નાથન એલિસ અને મિચેલ સ્ટાર્કને 1-1 વિકેટ મળી હતી.