IND vs AFG, Gautam Gambhir press conference: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂન, શનિવારથી ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં આવેલા મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. આ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આ મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને ટીમની વ્યૂહરચના, પ્લેઈંગ 11 અને ઋષભ પંત અંગે સ્પષ્ટ નિવેદન આપ્યા હતા.
ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાત
1. ઋષભ પંતને આપી શિખામણ, પણ ભરોસો અકબંધ
પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અંગે મોટું નિવેદન આપ્યું હતું. ઉપકપ્તાની છીનવાઈ જવા છતાં ટીમ મેનેજમેન્ટનો ઋષભ પંત પર પૂરો ભરોસો છે. ગૌતમ ગંભીરે કહ્યું, "અમે ઋષભ પંતમાં કોઈ બદલાવ નથી ઈચ્છતા, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓએ મેચની પરિસ્થિતિનું સન્માન કરવું જરૂરી છે."
2. ત્રીજા નંબર પર કોણ બેટિંગ કરશે?
લાંબા સમયથી ચાલતી ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું કે, અફઘાનિસ્તાન સામે સાઈ સુદર્શન જ ત્રીજા નંબર પર બેટિંગ કરશે. તેમણે જણાવ્યું કે સાઈને અગાઉ પૂરતી તકો મળી નથી અને ઇંગ્લેન્ડમાં પણ તે રમ્યો હતો, તેથી આ ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલની સરખામણીમાં આ ડાબા હાથના બેટ્સમેનને પ્રાથમિકતા આપવામાં આવશે.
3. 'IPL નો થાક' જેવું કોઈ બહાનું નહીં ચાલે
IPL 2026 પૂર્ણ થયાના તરત જ બાદ આ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી 8 ખેલાડી તો IPL ફાઇનલમાં રમનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) ના છે. આ અંગે કડક વલણ અપનાવતા ગૌતમ ગંભીરે કહ્યું, "અમે સમજીએ છીએ કે IPL બાદ તરત ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે, પણ અહીં કોઈ બહાનું નહીં ચાલે. ટેસ્ટ મેચ માનસિક દ્રઢતાની રમત છે."
4. WTC ફાઈનલ અને ચોથા સ્પિનરની શોધ
અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો હિસ્સો નથી, છતાં ભારત માટે આ મેચ તૈયારીઓ માટે મહત્વની છે. ભારત હાલમાં WTC પોઈન્ટ ટેબલમાં 48.15% અંક સાથે છઠ્ઠા સ્થાને છે. ગંભીરે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, "અમને વિશ્વાસ છે કે અમે WTC જીતી શકીએ છીએ. આ ટીમમાં પ્રતિભા અને જીતવાની ભૂખ છે." આ ઉપરાંત, ઓગસ્ટમાં યોજાનારા શ્રીલંકા પ્રવાસ માટે આ ટેસ્ટ મેચ દ્વારા ટીમ પોતાનો ચોથો સ્પિનર નક્કી કરશે.
આ પણ વાંચો: ફરી એક્શનમાં દેખાશે વૈભવ સૂર્યવંશી, ટ્રાઈ સિરીઝ માટે ઈન્ડિયા-A ટીમ શ્રીલંકા પહોંચી; જાણો સંપૂર્ણ શેડ્યુલ
5. બંને ટીમની સ્ક્વોડ પર એક નજર
- ઈન્ડિયા ટીમ પ્લેઈંગ-11 : શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ગુરનૂર બરાર અને દેવદત્ત પડિક્કલ.
- અફઘાનિસ્તાન ટીમ પ્લેઈંગ-11 : હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અબ્દુલ મલિક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અફસર ઝાઝઈ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), સેદિકુલ્લાહ અટલ, રહેમત શાહ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેયાલિયા ખરોટે, બિલાલ સામી, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ અને ઝિયાઉર રહેમાન.
