Yusuf Pathan Plot Controversy: ગુજરાત સરકાર દ્વારા પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને જમીન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ મામલે થોડા દિવસો બાદ હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્પિનર રાધા યાદવ માટે પણ ક્રિકેટ અકાદમી સ્થાપવા અર્થે જમીનની માંગણી કરવામાં આવી છે.
સ્થાનિક બાળકો અને યુવા ખેલાડીઓને સારો ક્રિકેટ તાલીમનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકાની (VMC) ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મહિલા ક્રિકેટર રાધા યાદવને પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે. વડોદરાના પૂર્વ કોર્પોરેટર બંદિશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, વડોદરાને 'સ્પોર્ટ્સ સિટી' તરીકે વિકસાવવાની સામૂહિક યોજનાના ભાગરૂપે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
હાલમાં રાધા યાદવ ઈન્ડોર ક્રિકેટ અકાદમીમાં પ્રેક્ટિસ કરે છે, પરંતુ વધુ સારી તાલીમ માટે આઉટડોર ગ્રાઉન્ડ અત્યંત જરૂરી બન્યું છે. બંદિશ શાહે વધુમાં સ્પષ્ટ કર્યું કે, પ્રસ્તાવિત ક્રિકેટ ગ્રાઉન્ડનો તમામ વિકાસ પોતાના ખર્ચે કરવામાં આવશે અને તેના માટે મહાનગરપાલિકાને નિયમિત ભાડું પણ ચૂકવવામાં આવશે.
બીજી તરફ, વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વર્ષા વ્યાસે જણાવ્યું હતું કે, તેમને હાલમાં આવા કોઈ પ્રસ્તાવની સત્તાવાર જાણકારી નથી, પરંતુ જો રાધા યાદવ તરફથી પ્રસ્તાવ આવશે તો તેના પર યોગ્ય વિચારણા કરવામાં આવશે.
નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્લોટ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જે પહેલા શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, અંશુમન ગાયકવાડ, હાર્દિક પંડ્યા, રાધા યાદવ અને અર્જુન એવોર્ડ વિજેતા સુધીર પરબ જેવા અનેક હિન્દુ ખેલાડીઓએ દેશ અને શહેરનું નામ રોશન કર્યું છે. આમ છતાં વડોદરામાં પ્લોટ ફાળવવામાં આવ્યા ન હતા.
