Rajpal Radha Yadav Case: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ ફરી એકવાર કાનૂની મુશ્કેલીઓમાં ફસાયા છે. દિલ્હીની એક અદાલતે 9 કરોડ રૂપિયાના લોન પરત કરવાના કેસમાં રાજપાલ યાદવને 3 મહિનાની જેલની સજા ફટકારી છે. આ મામલામાં તેમની પત્ની રાધા યાદવ પણ આરોપી છે, જેમને પણ દંડના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2012માં રાજપાલ યાદવે તેમની નિર્દેશિત ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માટે એમ.એસ. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. અભિનેતાએ આ રકમ ચોક્કસ સમયગાળામાં પરત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ લાંબો સમય વીતી ગયા છતાં તેમણે પૈસા પરત કર્યા ન હતા. આ કેસમાં કુલ 21 કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા, જે તમામ આજે કોર્ટે એકસાથે ફગાવી દીધા છે અને રાજપાલ યાદવને સજા સંભળાવી છે.
કોર્ટે શું આદેશ આપ્યો?
જેલની સજા: રાજપાલ યાદવને 3 મહિનાની જેલની સજા કરવામાં આવી છે.
આર્થિક દંડ: કોર્ટે દરેક કેસમાં 1.05 કરોડ રૂપિયાનો દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
પત્ની રાધા પણ 5 લાખ રૂપિયાનો દંડ ભરશે
વકીલ અવનીશ સિક્કાએ વધુમાં જણાવ્યું હતું કે રાજપાલની પત્ની રાધા પણ તમામ કેસોમાં આરોપી હતી. તેમને દરેક કેસમાં 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
5 વાર જેલ જઈશ પણ પૈસા નહીં આપું!
સિક્કાએ જણાવ્યું હતું કે, રાજપાલ યાદવને કોર્ટે વારંવાર પૈસા ચૂકવવાની તક આપી હતી. તેમને સુધારાની ઘણી તકો આપવામાં આવી હતી, પરંતુ તેમણે વારંવાર આશ્વાસન આપ્યા છતાં ચૂકવણી કરવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં, છેલ્લી સુનાવણી દરમિયાન રાજપાલ યાદવે ગુસ્સામાં આવીને કોર્ટમાં કહ્યું હતું કે- હું એક રૂપિયો પણ નહીં ચૂકવું, ભલે મારે 5 વાર જેલ કેમ ન જવું પડે!
બીજાને લઈને પૈસા આપ્યા હતા વેપારીએ
બીજી તરફ, જે વેપારી માધવ ગોપાલ અગ્રવાલ પાસેથી રાજપાલે આ રકમ લીધી હતી, તેણે એક ઈન્ટરવ્યુમાં ભાવુક થઈને કહ્યું હતું કે- મેં રાજપાલની પત્નીના ભાવુક મેસેજ જોઈને આ રકમ આપી હતી. મેં જે પૈસા તેમને આપ્યા હતા, તે પણ મેં બીજા પાસેથી ઉધાર લઈને આપ્યા હતા. હું તેમની પાસે વારંવાર વિનંતી કરતો હતો કે મને મારા પૈસા પરત કરી દો, પરંતુ તેઓ સતત અવગણના કરતા રહ્યા.
