IND A vs PAK A: મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માં પાકિસ્તાન-એ (PAK A) સામે ભારત-એ (IND A) ટીમને 48 રનથી મળેલી હારે ક્રિકેટ ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. આ રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન તિલક વર્માએ છેલ્લા શ્વાસ સુધી લડત આપી હતી. તેમણે શાનદાર સદી ફટકારીને ટીમને જીતની આશા પણ જગાવી હતી, પરંતુ બીજા છેડેથી તેમને પૂરતો સાથ મળી શક્યો નહીં. એક સમયે મેચમાંથી લગભગ બહાર થઈ ગયેલી ભારતીય ટીમને તિલક વર્મા અને શાહબાઝ અહેમદની ભાગીદારીએ ફરી જીતની રેસમાં લાવી દીધી હતી. જોકે, શાહબાઝના આઉટ થતાં જ ભારતની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. મેચ બાદ કેપ્ટન તિલક વર્માએ હારના કારણો પર ખુલીને વાત કરી અને જણાવ્યું કે મુકાબલો ક્યાં પલટાયો.
શાહબાઝના આઉટ થતાં આખી રમત બગડી
આ પણ વાંચો
પાકિસ્તાન-એ દ્વારા આપવામાં આવેલા 314 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. વૈભવ સૂર્યવંશી અને આયુષ બદોની વહેલા આઉટ થયા બાદ અભિષેક શર્માએ 70 રનની શાનદાર ઇનિંગ રમીને તિલક વર્માને સાથ આપ્યો હતો. પરંતુ અભિષેકના આઉટ થયા બાદ ભારતીય બેટિંગ હરોળ ખોરવાઈ ગઈ અને ટીમે માત્ર 129 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.
આવા કપરા સમયે તિલક વર્માએ શાહબાઝ અહેમદ સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. બંને બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે 112 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. તિલકે જણાવ્યું કે અભિષેકની સારી શરૂઆત અને શાહબાઝ સાથેની તેમની ભાગીદારી ટીમ માટે ખૂબ જ નિર્ણાયક રહી હતી. જોકે, જ્યારે ટીમને રનરેટ વધારવાની અને લક્ષ્યની નજીક પહોંચવાની જરૂર હતી, બરાબર ત્યારે જ શાહબાઝ આઉટ થઈ ગયો. તિલકના મતે, જો શાહબાઝ બે ઓવર વધુ ક્રિઝ પર ટકી ગયો હોત તો મેચનું પરિણામ કંઈક અલગ હોત.
પાકિસ્તાની ફાસ્ટ બોલરોને આપ્યું ક્રેડિટ
તિલક વર્માએ પાકિસ્તાનના બોલરોને જીતનો શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે બીજી ઇનિંગમાં શરૂઆતની 10 ઓવર દરમિયાન પિચ પરથી બોલરોને સારો સ્વિંગ મળી રહ્યો હતો. પાકિસ્તાનના બંને ફાસ્ટ બોલરોએ સચોટ લાઈન અને લેન્થ પર બોલિંગ કરીને ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. તિલકે સ્વીકાર્યું કે આ દરમિયાન સતત વિકેટો પડવાથી ટીમ દબાણમાં આવી ગઈ હતી. તેમણે કહ્યું, "જો વચ્ચેની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો સતત વિકેટો ગુમાવવાથી બચ્યા હોત, તો આ મુકાબલો 47મી કે 48મી ઓવરમાં જ પૂરો કરી શકાયો હોત."
'મારા માટે શ્રેષ્ઠ પ્રદર્શન એ જ છે, જેમાં ટીમ જીતે'
તિલક વર્માએ આ મુકાબલામાં 149 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેમણે 1 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમણે એક છેડો સાચવી રાખ્યો અને અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયા હતા. શું આ તેમની તાજેતરની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક હતી? તેના જવાબમાં તિલકે સ્પષ્ટ કહ્યું કે તેઓ તેને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માનતા નથી.
તિલકે કહ્યું, "મારા માટે કોઈ પણ વ્યક્તિગત સિદ્ધિ કરતાં ટીમની જીત વધુ મહત્વની છે. જો મારી ઇનિંગ છતાં ટીમ મેચ જીતી ન શકે, તો હું તેને મારું શ્રેષ્ઠ પ્રદર્શન નહીં કહું." તેમણે ઉમેર્યું કે તેમનો પ્રયાસ હંમેશા મેચને શક્ય તેટલી લાંબી ખેંચવાનો અને અંત સુધી જીતની આશા જીવંત રાખવાનો હોય છે. સાથે જ તેમણે કહ્યું કે જો બીજા કોઈ બેટ્સમેને થોડો વધુ સાથ આપ્યો હોત તો તેઓ મેચ ફિનિશ કરી શક્યા હોત. કેપ્ટન તરીકે ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવાની જવાબદારી તેમની છે અને તેઓ આ જવાબદારી સ્વીકારવાનું પસંદ કરે છે.
