ODI World Cup 2027 India Schedule: ક્રિકેટપ્રેમીઓ માટે એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપનું સત્તાવાર ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વખતે આ મહાકુંભ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં રમાવાનો છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 2 ઓક્ટોબર 2027થી થશે અને ફાઇનલ મુકાબલો 21 નવેમ્બર 2027ના રોજ ખેલાશે. આ રસાકસીભરી ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ટાઈટલ માટે પોતાની તાકાત લગાવતી દેખાશે.
ગ્રૂપ 'એ'માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુંખાર જંગ
આગામી વર્લ્ડ કપ માટે ભારતને કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 'ગ્રૂપ એ'માં સ્થાન મળ્યું છે. આ ગ્રૂપમાં ભારત-પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને એક ક્વોલિફાયર ટીમ રહેશે. ક્રિકેટ જગતની સૌથી મોટી અને બ્લોકબસ્ટર મેચ ગણાતી ભારત અને પાકિસ્તાનની ટક્કર આગામી 10 ઓક્ટોબર 2027ના રોજ જ્હોનિસબર્ગ ખાતે રમાશે. આ એક એવી મેચ છે જેના માટે દુનિયાભરના કરોડો ફેન્સની નજર ટકેલી હોય છે.
શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ
વર્લ્ડ કપની શરૂઆત જ ભારત માટે અતિ-રોમાંચક રહેવાની છે, કારણ કે ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનનો આરંભ 7 ઓક્ટોબર 2027ના રોજ કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે કરશે. ખાસ વાત એ છે કે 2023ના વર્લ્ડ કપની ફાઇનલ બાદ આ બંને ટીમો ફરી એકવાર વર્લ્ડ કપના પહેલા જ મુકાબલામાં સામસામે હશે.
ટીમ ઇન્ડિયાના ગ્રૂપ સ્ટેજની મેચોની યાદી
- ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા – 7 ઓક્ટોબર 2027, કેપટાઉન
- ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 10 ઓક્ટોબર 2027, જ્હોનિસબર્ગ
- ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન – 14 ઓક્ટોબર 2027, સેન્ચુરિયન
- ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-એ – 17 ઓક્ટોબર 2027, બ્લોમફોન્ટેન
- ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 24 ઓક્ટોબર 2027, વિક્ટોરિયા ફોલ્સ
16 વર્ષનો દુકાળ સમાપ્ત કરવાનો ઇરાદો અને દિગ્ગજોની વિદાય
ભારતીય ટીમે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં છેલ્લે વનડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા 16 વર્ષથી ભારત આ ટ્રોફી જીતી શક્યું નથી. વર્ષ 2023માં ભારતે શાનદાર રમત દેખાડી હતી પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે નિરાશા હાથ લાગી હતી.
આ વખતે શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ યુવા જોશ સાથે મેદાનમાં ઉતરનાર ટીમ ઈન્ડિયા આ લાંબો દુકાળ દૂર કરવા માટે પૂરી તાકાત લગાવશે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટના બે મહાન સ્તંભો—રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આ કારકિર્દીનો છેલ્લો વનડે વર્લ્ડ કપ સાબિત થઈ શકે છે. એવામાં આખી ટીમનો એક જ અલાયદો લક્ષ્ય હશે કે આ બંને દિગ્ગજોને વર્લ્ડ કપની ટ્રોફી સાથે એક અત્યંત યાદગાર અને ભવ્ય વિદાય આપવામાં આવે.
