Hardik Pandya: IPL 2027ની આગામી સિઝન પહેલા ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું વ્યાપકપણે માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સ (MI) છોડવું લગભગ નિશ્ચિત છે. મુંબઈએ ગત સીઝન તેની કેપ્ટન્સીમાં રમી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહેતા હવે ફ્રેન્ચાઈઝી અને ખેલાડી વચ્ચે ફાટક પડી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
રાજસ્થાન રોયલ્સ નીકળી ગઈ સૌથી આગળ
શરૂઆતમાં એવી અટકળો હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ગંભીર છે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ IPL 2008ની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) આ ટ્રેડિંગ રેસમાં બાકીની તમામ ટીમો કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે.
હાર્દિક પંડ્યાની IPL કરકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. ત્યારબાદ 2022માં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાઈને પોતાની આગેવાનીમાં ટીમને પ્રથમ જ વર્ષે ચેમ્પિયન બનાવી હતી. અને ત્યારબાદ તે ફરીથી મુંબઈ પરત ફર્યો હતો અને કેપ્ટનશીપ સંભાળી હતી. હવે આગામી સિઝનમાં તેનું નવું ડેસ્ટિનેશન રાજસ્થાન રોયલ્સ બની શકે છે.
રવિચંદ્રન અશ્વિને કર્યો મોટો ખુલાસો
ભારતના અનુભવી ઓફ-સ્પિનર અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર આ મામલે મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને જણાવ્યું હતું કે, "એવી ચર્ચાઓ હતી કે એમ.એસ. ધોની હાર્દિકને CSKમાં લાવવા માટે વ્યક્તિગત વાતચીત કરી શકે છે, કારણ કે હાર્દિક ચેન્નાઈ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. પરંતુ મેં જે માહિતી મેળવી છે તે મુજબ, હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની રેસમાં હાલમાં રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ છે."
મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં મોટા ફેરફારોના સંકેત
હાર્દિકના ભવિષ્યને લઈને ભૂતકાળમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ રેસમાં હોવાની અટકળો હતી, કારણ કે તેમને એક અનુભવી કેપ્ટનની જરૂર છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં જ મુખ્ય કોચ મહેલા જયવર્દને સાથેના સંબંધો પૂરા કર્યા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે પાંચ વખતની ચેમ્પિયન ટીમ આગામી સિઝન માટે મેનેજમેન્ટ અને નેતૃત્વ સ્તરે મોટા ફેરફારો કરવા જઈ રહી છે. હાર્દિક પંડ્યાનું આગામી ટીમમાં જોડાવાનું એલાન ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે થઈ શકે છે.
