Hardik Pandya: CSK CEO સાથેની મુલાકાત બાદ હાર્દિક પંડ્યાના પક્ષપલટાની અટકળો તેજ; શું મુંબઈ સાથે છેડો ફાડી ચેન્નાઈમાં જોડાશે?

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અટકળો તેજ બની છે કે તે IPL 2027 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતો જોવા મળી શકે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 13 May 2026 01:02 PM (IST)Updated: Wed, 13 May 2026 01:02 PM (IST)
hardik-pandya-joining-csk-after-ipl-2026-truth-behind-rumours

Hardik Pandya CSK Rumours: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે અત્યંત નિરાશાજનક સાબિત થઈ છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ વર્ષે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારે ટીમમાં આંતરિક ખેંચતાણ અને ખેલાડીઓના ભવિષ્યને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અટકળો તેજ બની છે કે તે IPL 2027 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતો જોવા મળી શકે છે.

CSK CEO સાથેની મુલાકાત

ગત 2 મેના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં મુંબઈનો 8 વિકેટે કારમો પરાજય થયો હતો. મેચ બાદ હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથન સાથે મેદાનની બહાર નીકળતી વખતે વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાહકો અને નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિક આગામી સિઝનમાં એમ.એસ. ધોનીની ટીમમાં જોડાઈ શકે છે.

કેપ્ટનશીપમાં નિષ્ફળતા અને ફિટનેસના પ્રશ્નો

હાર્દિક પંડ્યા માટે IPL 2026 વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને રીતે મુશ્કેલ રહ્યું છે. તેની ફિટનેસ અને ફોર્મ સતત ચર્ચાનો વિષય બન્યા છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ કંગાળ રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 37 મેચોમાં તેના નેતૃત્વ હેઠળ ટીમે માત્ર 15 મેચમાં જીત મેળવી છે, જ્યારે 22 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

RCB સામેની મહત્વપૂર્ણ મેચમાં હાર બાદ મુંબઈ પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા છેલ્લી 2 મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ પણ નહોતો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી. જોકે, હાર્દિકની ગેરહાજરી અંગે ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

શું આગામી સિઝનમાં મોટો ફેરફાર થશે?

ચેન્નાઈમાં રમાયેલી મેચમાં હાર્દિક માત્ર 18 રન બનાવી આઉટ થઈ ગયો હતો. સતત કથળતા પ્રદર્શન અને મેનેજમેન્ટ સાથેના કથિત અણબનાવ વચ્ચે CSK ના ઉચ્ચ અધિકારી સાથેની તેની મુલાકાતને ક્રિકેટ વર્તુળોમાં 'ટ્રેડિંગ'ના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો માની રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને રિલીઝ કરી શકે છે અને CSK તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, આ માત્ર અટકળો છે અને આ અંગે હજુ સુધી મુંબઈ ઈન્ડિયન્સ કે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.