Ross Taylor Withdraws Retirement: ન્યુઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રૉસ ટેલરે ત્રણ વર્ષ બાદ પોતાની નિવૃત્તિ પરત ખેંચી લીધી છે. 41 વર્ષીય આ ખેલાડીએ ન્યુઝીલેન્ડ છોડીને હવે સમોઆ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમના આ અચાનક નિર્ણયથી ક્રિકેટ જગતમાં સૌ કોઈ હેરાન છે.
સોશિયલ મીડિયા પર આપી માહિતી
સોશિયલ મીડિયા પર સમોઆ ક્રિકેટ ટીમની જર્સી સાથે પોતાનો ફોટો પોસ્ટ કરતા રૉસ ટેલરે જણાવ્યું કે મને આ જાહેરાત કરતા ગર્વ થાય છે કે હું વાદળી જર્સી પહેરીને સમોઆનું પ્રતિનિધિત્વ કરીશ. તેમણે ઉમેર્યું કે હું એટસા માટે વાપસી નથી કરી રહ્યો કે મને રમત પ્રત્યે પ્રેમ છે, પરંતુ પોતાની વિરાસત, સંસ્કૃતિ, ગામડાઓ અને પરિવારનું પ્રતિનિધિત્વ કરવું એ તેમના માટે મોટું સન્માન છે. તેઓ રમતને કંઈક પાછું આપવા અને ટીમના યુવા ખેલાડીઓ સાથે તેમનો અનુભવ શેર કરવા માટે ઉત્સાહિત છે.
જાણો શા માટે પાછી ખેંચી નિવૃત્તિ
રૉસ ટેલરનો મુખ્ય હેતુ આવતા વર્ષે યોજાનારા T20I વર્લ્ડ કપ માટે સમોઆ ક્રિકેટ ટીમને ક્વોલિફાય કરાવવાનો છે. આ માટે તેઓ ઓક્ટોબરમાં ઓમાનમાં યોજાનારી વર્લ્ડ કપ એશિયા-પેસિફિક ક્વોલિફાઈંગ સિરીઝમાં સમોઆ ટીમનો ભાગ બનશે. સમોઆ ગ્રુપ-3માં યજમાન દેશ અને પાપુઆ ન્યુ ગિની સામે મેચ રમશે. આ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાંથી ટોચની ત્રણ ટીમો ભારત અને શ્રીલંકામાં યોજાનારા આગામી T20I વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે.
રૉસ ટેલરે ન્યુઝીલેન્ડ માટે 2006માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 2022માં નેધરલેન્ડ સામે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે કિવી ટીમ માટે 40 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી અને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમના પણ સભ્ય હતા.