Vinod Kambli Old Age Home Video: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિનોદ કાંબલીનો તાજેતરમાં જ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેણે તેમના ચાહકોને ભારે આશ્ચર્ય અને ચિંતામાં મૂકી દીધા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વિનોદ કાંબલી એક વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નબળા સ્વાસ્થ્ય અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા કાંબલીને વૃદ્ધાશ્રમમાં જોઈને ક્રિકેટ પ્રેમીઓ તેમના સ્વાસ્થ્ય અને વર્તમાન સ્થિતિ અંગે તરેહ-તરેહની ચર્ચાઓ કરી રહ્યા છે.
વૃદ્ધાશ્રમની સુવિધાઓના કર્યા મુક્ત મને વખાણ
વાયરલ વીડિયોમાં ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી થોડા ભાવુક દેખાઈ રહ્યા છે, પરંતુ તેમણે વૃદ્ધાશ્રમમાં મળતી સુવિધાઓ અને વાતાવરણના ખૂબ જ વખાણ કર્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, "હું અત્યારે 'નિદાન' વૃદ્ધાશ્રમ ખાતે છું. હું જણાવવા માંગુ છું કે અહીંની તમામ સુવિધાઓ ખૂબ જ ઉત્તમ છે. સ્વચ્છતાથી લઈને તમામ બાબતો શાનદાર છે. અહીં રહું છું ત્યારે મને ક્યારેય એવું લાગતું નથી કે હું મારા પરિવાર કે ઘરથી દૂર છું. અહીંના લોકો તરફથી મને ભારે આદર અને સન્માન મળી રહ્યું છે."
સ્વાસ્થ્ય અને આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા છે કાંબલી
ઉલ્લેખનીય છે કે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને એક સમયના આશાસ્પદ ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા ઘણા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એકલા ચાલી ન શકતા હોવાથી લાકડીના સહારે ચાલતા નજરે પડ્યા હતા. આ સિવાય તેમની આર્થિક સ્થિતિ પણ કથળી હોવાના વારંવાર અહેવાલો આવ્યા છે. એક સમયે તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે મદદ અને કામની પણ માગણી કરી હતી.
વિનોદ કાંબલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટમાં એક અત્યંત પ્રતિભાશાળી બેટ્સમેન તરીકે પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી ચાલી શકી ન હતી.
- ટેસ્ટ ક્રિકેટ: તેમણે ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 54.20 ની શાનદાર સરેરાશથી 1,084 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે બે બેવડી સદી સહિત કુલ 4 સદી પણ ફટકારી હતી.
- વન-ડે ક્રિકેટ: ODI ક્રિકેટમાં તેમને વધુ તકો મળી હતી. તેમણે ભારત તરફથી 104 એકદિવસીય પદાર્પણ મેચોમાં 32.59 ની સરેરાશથી 2,477 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે.
નવા વીડિયોમાં કાંબલીની આવી હાલત જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો અને ભૂતપૂર્વ ખેલાડીઓ તેમના જલ્દી સાજા થવાની અને પરિસ્થિતિ સુધરે તેવી પ્રાથના કરી રહ્યા છે.
