Cricket News: પ્રેક્ટિસ મેચમાં આઉટ થતાં પૃથ્વી શૉએ પિત્તો ગુમાવ્યો, બેટ લઈને બૉલરને મારવા પાછળ દોડ્યો; જુઓ VIDEO

આઉટ થયા બાદ પૃથ્વી શૉ બોલરની નજીક જઈ બબડવા લાગ્યો અને પછી મારવા માટે બેટ ઉગામ્યु. જેને લઈને ખેલાડીઓ અને એમ્પાયર દોડી આવ્યા અને બન્નેને છૂટા પાડ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Oct 2025 10:19 PM (IST)Updated: Tue, 07 Oct 2025 10:19 PM (IST)
cricket-news-prithvi-shaw-fight-with-musheer-khan-in-mumbai-vs-maharashtra-practice-match
HIGHLIGHTS
  • રણજી ટ્રોફી પહેલા મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે પ્રેક્ટિસ મેચ
  • પૃથ્વી શૉ 181 રનની શાનદાર ઈનિંગ રમી આઉટ થયો

Cricket News: પૃથ્વી શૉ (Prithvi Shaw) એક એવો ભારતીય ક્રિકેટર છે, જે સતત કોઈને કોઈ વિવાદોમાં સપડાયેલો જ રહે છે. હાલ પૃથ્વી શૉ ભલે શાનદાર ફોર્મમાં હોય, પરંતુ ક્રિકેટના મેદાનમાં આ ખેલાડીએ કરેલી હરકતથી તે ફરીથી વિવાદોમાં આવ્યો છે.

હકીકતમાં આગામી 15 ઓક્ટોબરે રણજી ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. આ સિઝન પહેલા મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે ત્રણ દિવસની એક પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. જેમાં બેટ્સમેન પૃથ્વી શૉએ તોફાની બેટિંગ કરીને મહારાષ્ટ્ર માટે શાનદાર સદી ફટકારી. જો કે મેચ દરમિયાનજ પૃથ્વી શૉએ પોતાની જૂની ટીમ મુંબઈના ખેલાડી સાથે માથાકૂટ કરી હતી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે, આખરે ખેલાડીઓને શાંત કરવા માટે એમ્પાયરને મધ્યસ્થી કરવી પડી હતી.

આ મેચમાં અર્શન કુલકર્ણી સાથે ઑપનિંગ કરવા આવેલ પૃથ્વી શૉએ 181 રનની સ્ફોટક ઈનિંગ રમી હતી. પૃથ્વી શૉ T20 અંદાજમાં મેદાનની ચોતરફ ફટકા મારી રહ્યો હતો. આ દરમિયાન પૃથ્વી શૉ મુશીર ખાનના બૉલને સ્વીપમાં રમવા જતાં ડીપ સ્ક્વેર લેગ પર ગોઠવેલા ફિલ્ડરને કેચ આપીને આઉટ થઈ ગયો હતો.

આઉટ થયા બાદ પૃથ્વી શૉએ બૉલર મુશીરને નજીક ગયો અને કઈંક બબડવા લાગ્યો હતો. આ દરમિયાન પિત્તો ગુમાવી ચૂકેલા પૃથ્વી શૉએ મુશિરને મારવા માટે બેટ ઉગામ્યું હતુ. આ સમયે મુંબઈની ટીમના અન્ય ખેલાડીઓ તેમજ એમ્પાયરો દોડી આવ્યા અને બન્નેને છૂટા પાડ્યા હતા. જો કે પેવેલિયન જતી વખતે પણ પૃથ્વી શૉ ગુસ્સામાં લાલચોળ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, થોડા વર્ષ પહેલા પૃથ્વી શૉની એક યુટ્યુબર સાથે પણ માથાકૂટ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પૃથ્વી શૉ જાહેર રોડ પર યુટ્યુબર સાથે હાથચાલાકી કરતો જોવા મળ્યો હતો. આ મામલે પૃથ્વી શૉ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

પૃથ્વી શૉ છેલ્લા ઘણાં સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે સતત મહેનત કરી રહ્યો છે, પરંતુ આવા વિવાદોના કારણે તેની છબી સતત ખરડાઈ રહી હોવાથી ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ જોવા મળી રહી છે.