Prithvi Shaw: ટીમ ઈન્ડિયા અને IPLમાંથી લાંબા સમયથી બહાર ચાલી રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ મુંબઈ સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારીને ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. માત્ર 18 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને ઈતિહાસ રચનાર આ યુવા બેટ્સમેન હાલ નબળી ફિટનેસ, ખરાબ ફોર્મ અને શિસ્તહીનતાના કારણે ભારતીય ટીમ બહાર છે. ચાલો જાણીએ આ ઉભરતા તારાના સંઘર્ષ, સફળતા અને પર્સનલ લાઈફ વિશે.
અભાવથી અબજોપતિ બનવા સુધીની સફર
માતાની છત્રછાયા ગુમાવી: પૃથ્વી જ્યારે માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેના પિતા પંકજ શૉએ જ તેનો ઉછેર કર્યો.
પિતાનું મોટું સમર્પણ: વિરારમાં કપડાંની દુકાન ચલાવતા પિતાએ દીકરાના ક્રિકેટના સ્વપ્નને પૂરું કરવા માટે પોતાની દુકાન વેચી દીધી અને તેને એકેડેમીમાં દાખલ કરાવ્યો.
મિલકત અને સંપત્તિ: ગરીબીમાં ઉછરેલો પૃથ્વી આજે કરોડોની સંપત્તિનો માલિક છે. રિપોર્ટ અનુસાર તેની કુલ સંપત્તિ ₹25 કરોડથી વધુ છે, જેમાં મુંબઈમાં લક્ઝરી ઘર અને દેશભરમાં રિયલ એસ્ટેટ મિલકતોનો સમાવેશ થાય છે.
રેકોર્ડબ્રેક ડેબ્યૂ અને કેરિયરની સિદ્ધિ
નાની ઉંમરે કમાલ: 9 નવેમ્બર 1999ના રોજ વિરારમાં જન્મેલા પૃથ્વીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2018નો U-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
સચિન તેંડુલકરનો રેકોર્ડ: 4 ઓક્ટોબર 2018ના રોજ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને તે સચિન પછી સૌથી નાની વયે ટેસ્ટ સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો.
ડોમેસ્ટિક ક્રિકેટમાં દબદબો: રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી બંનેના ડેબ્યૂમાં સદી ફટકારીને તેણે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કાઉન્ટીમાં નોર્થમ્પ્ટનશાયરનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે.
દસ્તાવેજી ફિલ્મ, સસ્પેન્શન અને નાઇટક્લબ વિવાદ
ડોક્યુમેન્ટ્રીમાં સ્થાન: 2013માં પૃથ્વી અને તેના પિતાની આ કઠિન સફરને ‘બિયોન્ડ ઓલ બાઉન્ડ્રીઝ’ નામની ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવી હતી.
ડોપિંગ બેન: જુલાઈ 2019માં BCCI દ્વારા ડોપિંગના નિયમોના ભંગ બદલ તેના પર નવેમ્બર 2019 સુધીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સપના ગિલ સાથે વિવાદ: ફેબ્રુઆરી 2023માં નાઇટક્લબમાં સેલ્ફી લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુટ્યુબર સપના ગિલ અને તેના મિત્રોએ પૃથ્વીની કાર પર હુમલો કરી તોડફોડ કરી હતી, જેમાં બાદમાં પોલીસ કેસ અને ધરપકડ થઈ હતી.
