Devdutt Padikkal Record: દેવદત્ત પડિકલનું ધુંઆધાર ફોર્મ યથાવત, વિજય હજારે ટ્રોફીમાં રનનો પહાડ ખડકીને રચ્યો ઈતિહાસ

દેવદત પડિકલે વિજય હજારે ટ્રોફીની 3 સિઝનમાં 600થી વધુ રન ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. જે પૈકી 2020-21ની સિઝનમાં પડિકલે 7 ઈનિંગ્સમાં 737 રન ફટકાર્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Jan 2026 05:20 PM (IST)Updated: Tue, 06 Jan 2026 05:20 PM (IST)
cricket-news-devdutt-padikal-creates-history-in-vijay-hazare-trophy
HIGHLIGHTS
  • દેવદત્ત પડિકલે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું
  • પડિકલે એક જ સિઝનમાં સતત 7 વખત 50થી વધુ રન બનાવ્યા

Devdutt Padikkal Record: વિજય હજારે ટ્રોફીમાં દેવદત્ત પડિકલનો શાનદાર ફોર્મ યથાવત છે. કર્ણાટકના ઓપનર પડિકલે મંગળવારે રાજસ્થાન સામે 91 રનની સ્ફોટક ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચી દીધો છે. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને 82 બોલમાં 12 ફૉર અને 2 સિક્સર્સની મદદથી 91 રન ફટકાર્યા છે.

આમ વર્તમાન વિજય હઝારે ટ્રોફીમાં દેવદત્ત પડિકલે 600 રનના આંકડાને પાર કરી દીધો છે. આ સાથે જ વિજય હઝારે ટ્રોફીની 3 સિઝનમાં 600થી વધુ રન ફટકારનાર દેવદત્ત પડિકલ પ્રથમ બેટ્સમેન બન્યો છે. દેવદત પડિકલે પોતાના ઉમદા પ્રદર્શન થકી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે પોતાની દાવેદારી મજબૂત બનાવી છે.

પડિકલનું શાનદાર પ્રદર્શન
દેવદત્ત પડિકલે શરૂઆતથી જ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 2019-20 સિઝનમાં 11 મેચમાં 609 રન બનાવીને પોતાની ક્ષમતા સાબિત કરી. પડિકલ તે સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો.

જે બાદ 2020-21 સિઝનમાં પડિકલે ઘાતક ફોર્મ બતાવ્યું અને માત્ર સાત ઇનિંગ્સમાં 147.40 ની સરેરાશથી 737 રન બનાવ્યા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં પડિકલે સાબિત કર્યું કે, તે ગમે તેવા ઘાતક બોલરનો સામનો કરવા માટે સક્ષમ છે.

વિજય હઝારે ટ્રોફી 2025-26ની સિઝન પણ દેવદત્ત પડિકલ માટે શાનદાર રહી છે. જેમાં પડીકલે 600 રનના આંકડાને પાર કરવા સાથે વધુ એકવાર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. દેવદત્ત પડીકલે એક જ સિઝનમાં સતત સાત વખત 50થી વધુ સ્કોર કર્યો છે.

કર્ણાટકનો મોટો સ્કોર
અમદાવાદના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ પર કર્ણાટક અને રાજસ્થાન વચ્ચે વિજય હજારે ટ્રોફીની એલિટ મેચ રમાઈ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કર્ણાટકના ઓપનર મયંક અગ્રવાલ (100) અને દેવદત્ત પડિકલ (91)એ 184 રનની ભાગીદારી સાથે મજબૂત શરૂઆત આપી. કર્ણાટકએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 324 રન બનાવ્યા.