IND-A vs NZ-A: લિંકનના બર્ટ સટક્લિફ ઓવલ (Bert Sutcliffe Oval) ખાતે ભારત A અને ન્યુઝીલેન્ડ A ટીમ વચ્ચે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચમાં પ્રથમ દિવસે ભારતીય બેટિંગ લાઈન-અપ ફ્લોપ સાબિત થઈ હતી. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડ A ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેને બોલરોએ સાચો સાબિત કરતા ભારતીય A ટીમને પ્રથમ દાવમાં માત્ર 113 રન પર ઓલઆઉ ટકરી દીધી હતી.
ભારતીય A ટીમનો બેટિંગ ફ્લોપ શો
ભારત A ટીમ તરફથી યશ રાઠોડે અણનમ 44 રન (49 બોલ, 3 ચોગ્ગા, 3 છગ્ગા) ની આક્રમક ઈનિંગ રમીને એક છેડો સાચવી રાખ્યો હતો. આ સિવાય દેવદત્ત પડિક્કલે 32 રન અને ઓપનર યશસ્વી જેસવાલે 17 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતની શરૂઆત ખૂબ જ નબળી રહી
- કેએલ રાહુલ: 0 રન (8 બોલ)
- સાઈ સુદર્શન: 0 રન (13 બોલ)
- ધ્રુવ જુરેલ (કેપ્ટન): 1 રન (13 બોલ)
- વોશિંગ્ટન સુંદર: 0 રન (6 બોલ)
સમગ્ર ભારતીય ટીમ 39.3 ઓવરમાં 113 રન બનાવીને ધરાશાયી થઈ ગઈ હતી.
સાયમન કીનની ઘાતક બોલિંગ (5/24)
ન્યૂઝીલેન્ડ A ટીમના બોલરોએ શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. બોલર સાઇમન કીને શાનદાર પ્રદર્શન કરતા 11.3 ઓવરમાં માત્ર 24 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઝેકગિબ્સને 29 રનમાં 3 વિકેટ, ફ્રેઝર શીટે 37 રનમાં 1 વિકેટ અને ક્રિશ્ચિયન ક્લાર્કે 20 રનમાં 1 વિકેટ મેળવી હતી.
ન્યૂઝીલેન્ડ A ટીમનો મજબૂત જવાબ
પ્રથમ દાવમાં બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ A ટીમે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 34.1 ઓવરમાં 113 રન બનાવીને ભારતના સ્કોરની બરાબરી કરી લીધી હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન રાયસ મારિયુ 64 રન (115 બોલ, 10 ચોગ્ગા) અને કર્ટિસ હીફી 31 રન (92 બોલ, 3 ચોગ્ગા) બનાવીને અણનમ રહ્યા છે.
બીજી તરફ, ભારત A ટીમના બોલરો અંશુલ કમ્બોજ, આકાશ દીપ, આકિબ નબી, મુકેશ ચૌધરી અને વોશિંગ્ટન સુંદર પ્રથમ દિવસે એક પણ વિકેટ મેળવવામાં સફળ રહ્યા ન હતા.
