Shreyas Iyer: ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર વિદેશમાં કમરનું ઓપરેશન કરાવવા જશે, જેને પગલે હવે તે IPL-2023ની બાકી તમામ મેચ તથા જૂન મહિનામાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાયનલ નહીં રમી શકે.
IPLની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કેપ્ટન અય્યરને સાજા થઈ પરત ફરવામાં ઓછામાં ઓછા પાંચ મહિનાનો સમય લાગી શકે છે.
બીજી બાજુ BCCIના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે તે વિદેશમાં સર્જરી કરાવશે તથા આ માટે ઓછામાં ઓછા પાંચ મહિનાનો પણ સમય લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સિરીઝ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને ટૂર પરથી પરત આવવું પડ્યુ હતું . હવે તેની ગેરહાજરીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કેપ્ટનશીપ નીતિશ રાણા સંભાળશે.
બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફર્યાં બાદ તેને આશરે છ જેટલા ઈન્જેક્શન લીધા હતા, અલબત જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની સિરીઝમાં તે પોતાની રમતને લઈ એટલો અનુકૂળ જણાતો ન હતો. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પણ આ જ સ્થિતિ જોવા મળતી હતી.
ત્રણેય ફોર્મેટ માટે છે ફીટ
શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમે છે. ટેસ્ટ મેચ માટે તે ભારતીય ટીમ વતી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. તેણે અનેક મેચોમાં ભારતને જીત અપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 10 ટેસ્ટમાં તેણે 666 રન, જ્યારે 42 વનડે મેચમાં 1631 રન કર્યાં છે, આ ઉપરાંત 49 T-20 મેચમાં 1043 રન બનાવ્યા છે.