India vs Pakistan: ટી-20 વર્લ્ડ કપ 2026ના સૌથી મોટા જંગ પહેલા ભારતીય કેમ્પમાં આત્મવિશ્વાસ અને હળવાશનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન જે સ્પિનરને પોતાનું ‘સરપ્રાઈઝ વેપન’ માની રહ્યું છે, તે ઉસ્માન તારિકની બોલિંગ એક્શનની નકલ કરીને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાબિત કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા પર કોઈ દબાણ નથી.
સૂર્યાની ‘મીમિક્રી’ અને નેટ્સમાં મનોરંજન
શનિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન સૂર્યકુમાર યાદવ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક તેની ‘થોભો અને જુઓ’ (Stop and Stare) પ્રકારની સાઈડ-ઓન એક્શન માટે જાણીતો છે. સૂર્યાએ નેટ્સમાં રિંકુ સિંહને બોલિંગ કરતી વખતે બરાબર તારિકની જેમ જ થોભીને બોલ ફેંક્યો હતો. આ વીડિયો વાયરલ થતા ચાહકો કહી રહ્યા છે કે સૂર્યાએ મેચ પહેલા જ પાકિસ્તાની વ્યૂહરચનાની હવા કાઢી નાખી છે. ભારતીય કેમ્પમાં આ એક્શનને માત્ર મનોરંજન તરીકે જોવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે બેટ્સમેનો તારિકનો સામનો કરવા તૈયાર છે.
🚨 SURYA MOCKS PAK SPINNER IN NETS! 🚨
— Indian Cricket (@IPL2025Auction) February 14, 2026
Suryakumar Yadav imitates Usman Tariq's action while bowling to Abhishek Sharma in practice.😂🤣
Preparation or pure savage banter? 🔥#INDvPAK #INDvsPAK pic.twitter.com/5JGhJWSByk
ઉસ્માન તારિક: પાકિસ્તાનનું રહસ્યમય હથિયાર
માત્ર ચાર આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ ધરાવતો ઉસ્માન તારિક ભારત માટે નવો પડકાર છે. તેની એક્શન એવી છે કે બેટ્સમેન માટે બોલ કઈ દિશામાં ટર્ન થશે તે સમજવું મુશ્કેલ બને છે. કોલંબોની ધીમી પિચ પર તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પણ તારિક વિશે સાવધ રહેવા જણાવ્યું છે. હરભજને કહ્યું કે, "મેં તેને ILT20માં જોયો છે, તે અદભૂત વિવિધતા ધરાવે છે. ઉભા રહીને બોલિંગ કરવી સરળ છે, પણ તેની પાસે જે લેન્થ અને ટર્ન છે તે મોટા મેદાનો પર તેને ઘાતક બનાવે છે."
ટીમ ઈન્ડિયામાં ફેરફારના સંકેત: અભિષેક શર્માની વાપસી
ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. કેપ્ટન સૂર્યાએ પ્રેસ કોન્ફરન્સમાં તેની ભાગીદારીની પુષ્ટિ કરી છે, જેનો અર્થ છે કે સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. બીજી તરફ, સ્પિનરો માટે અનુકૂળ પિચને જોતા અર્શદીપ સિંહના સ્થાને કુલદીપ યાદવને તક મળે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
રાજકીય મડાગાંઠ અને ક્રિકેટનો રોમાંચ
આ મેચ એવા સમયે રમાઈ રહી છે જ્યારે પાકિસ્તાને અગાઉ મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. અનેક ‘યુ-ટર્ન’ અને આઈસીસીની દખલગીરી બાદ પાકિસ્તાની ટીમ રમવા માટે સંમત થઈ છે. હવે જ્યારે બંને ટીમો મેદાન પર ઉતરશે, ત્યારે નજર ઉસ્માન તારિકના રહસ્ય અને ભારતીય બેટ્સમેનોના પલટવાર પર રહેશે. સાંજે 7:00 વાગ્યે જ્યારે સિક્કો ઉછળશે, ત્યારે કોલંબોના સ્ટેડિયમમાં માત્ર રમત જ નહીં, પણ રણનીતિઓનો પણ મોટો જંગ જોવા મળશે.
