Mithun Manhas Family Tree: પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રોજર બિન્નીનો કાર્યકાળ પૂરો થયા બાદ આ પદ ખાલી હતું. આ પ્રથમ વખત છે જ્યારે જમ્મુ-કાશ્મીરના કોઈ ખેલાડીને આ પ્રતિષ્ઠિત પદ માટે પસંદ કરવામાં આવ્યા હોય. તેઓ BCCI નું નેતૃત્વ કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી છે. ચાલો જાણીએ તેમના પરિવાર અને સફર વિશે..
મિથુન મન્હાસનું બાળપણ
મિથુન મનહાસનો જન્મ 12 ઓક્ટોબર 1979ના રોજ જમ્મુમાં થયો હતો. તેમને ક્રિકેટ અને વહીવટી બંનેનો અનુભવ છે. મન્હાસને બાળપણથી જ રમતગમતમાં રસ હતો. તેમના મામા પણ ક્રિકેટર હતા અને તેથી મિથુન પણ ક્રિકેટમાં કરિયર બનાવવાનું સ્વપ્ન જોતો હતો. મિથુન મન્હાસે જમ્મુમાં મહાવીર જૈન ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી 12મું ધોરણ અને તેની પહેલા આરઆરએલ સ્કૂલ અને પ્રેઝન્ટેશન કોન્વેન્ટમાં અભ્યાસ કર્યો હતો.
મિથુન મન્હાસનો પરિવાર
મિથુન મન્હાસના પરિવાર વિશે વાત કરીએ તો માતા-પિતા અને એક ભાઈ છે. મિથુન મન્હાસની પત્નીનું નામ દિવ્યા મન્હાસ છે.મિથુન મન્હાસને 2 સંતાનો છે - આરવ મન્હાસ અને આદિત્ય મન્હાસ
ઘરેલુ ક્રિકેટના સ્ટાર મિથુન મન્હાસ
45 વર્ષીય મિથુન મન્હાસની ક્રિકેટ કારકિર્દી લાંબી અને સફળ રહી છે. તેમણે 1997/98ની સિઝનમાં દિલ્હીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે તે સમયે ભારતીય ટીમમાં સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ બેટ્સમેનો હોવાથી તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળી શક્યું ન હતું. આમ છતાં મન્હાસ ઘરેલુ ક્રિકેટમાં એક મોટા ખેલાડી તરીકે સ્થાપિત થયા.
મિથુન મન્હાસે દિલ્હી રણજી ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી અને વિરાટ કોહલીએ તેમના શરૂઆતના દિવસોમાં મન્હાસના નેતૃત્વ હેઠળ ક્રિકેટ રમ્યું હતું. 2007-08ની રણજી સિઝનમાં તેમણે શાનદાર પ્રદર્શન કરતા 57.56ની સરેરાશથી 921 રન બનાવ્યા હતા અને તે જ સિઝનમાં દિલ્હીએ ખિતાબ જીત્યો હતો. 2015માં મન્હાસ પોતાના ગૃહનગર જમ્મુ-કાશ્મીર પાછા ફર્યા હતા.
મિથુન મન્હાસની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની વાત કરીએ તો 157 મેચોમાં 27 સદી સાથે 9714 રન સામેલ છે. આ ઉપરાંત, તેમણે 130 લિસ્ટ-A મેચોમાં 4126 રન અને 91 T20 મેચોમાં 1170 રન બનાવ્યા છે.
મિથુન મન્હાસની IPL કરિયર
મિથુન મન્હાસને 2008માં પ્રથમ IPL સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ખરીદવામાં આવ્યા હતા અને તેઓ 2010 સુધી ટીમનો ભાગ રહ્યા હતા. ત્યારબાદ તેમણે પુણે વોરિયર્સ ઈન્ડિયા અને 2014માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે પણ રમ્યા હતા. IPLમાં મન્હાસે કુલ 55 મેચ રમી હતી અને 22.34ની સરેરાશ અને 109.36ના સ્ટ્રાઈક રેટથી 514 રન બનાવ્યા હતા.
મિથુન મન્હાસની કોચિંગ કરિયર
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ મન્હાસે કોચિંગ ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા દર્શાવી. તેમને 2017માં પંજાબ કિંગ્સના સહાયક કોચ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ બાંગ્લાદેશ અંડર-19 ટીમના બેટિંગ કન્સલ્ટન્ટ બન્યા અને બે વર્ષ સુધી ત્યાં કામ કર્યું. આ પછી તેઓ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયા.
BCCI અધ્યક્ષ તરીકે પસંદગી પામતા પહેલા મન્હાસ ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ તરીકે કાર્યરત હતા. હવે તેમની સામે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવાની મોટી જવાબદારી છે.
