Amit Mishra Retirement: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. લાંબા સમય સુધી તેમના વેરિએશન અને શ્રેષ્ટ કંટ્રોલ માટે જાણીતા મિશ્રાએ ટીમ ઈન્ડિયાની જર્સીમાં તેમજ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝ એજન્સી IANSના હવાલેથી આ સમાચાર સામે આવ્યા છે.
હવે સમય આવી ગયો છે કે… અમિત મિશ્રાએ કરી સંન્યાસની જાહેરાત
સંન્યાસની જાહેરાત કરતા અમિત મિશ્રાએ કહ્યું કે આ નિર્ણય તેમના માટે સરળ ન હતો. તેમણે વારંવારની ઈજાઓને જવાબદારી ગણાવી, જેના કારણે તેમને ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું. મિશ્રાનું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે આગામી પેઢીના ખેલાડીઓને મોટા મંચ પર પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મેં હંમેશા ટીમને પ્રાથમિકતા આપી છે અને હવે નવા ક્રિકેટરોને તકો મળે તેવું ઈચ્છું છું.
42 વર્ષના અમિત મિશ્રાની IPL કરિયર અત્યંત પ્રભાવશાળી અને યાદગાર રહી હતી. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં 3 હેટ્રિક લેનારા એકમાત્ર બોલર છે, જે એક અનોખો રેકોર્ડ તેમના નામે કાયમ છે. તેમણે આ ટૂર્નામેન્ટમાં 162 મેચોમાં 174 વિકેટો ઝડપી હતી અને પોતાની ગૂગલી તેમજ ફ્લિપરથી બેટ્સમેનોને સતત હફાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી, જેમાં કુલ 156 વિકેટ લીધી હતી. તેમણે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2017માં રમી હતી.