Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026 (Asian Para Games 2026) માં ભારતીય પેરા-એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન સતત જારી છે. ગુરુવારે ભારતની સુવર્ણ રાજે મહિલાઓની ડિસ્કસ થ્રોમાં 15.66 મીટરના બહેતરીન થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરીને દેશને દિવસનો પ્રથમ સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. આ સાથે જ ભારતીય ટુકડીએ આ ખંડિય રમતગમતના મહાકુંભમાં 15મો ગોલ્ડ મેડલ જીતીને પોતાનો વિજયી રથ આગળ ધપાવ્યો છે.
સુવર્ણ રાજનું શ્રેષ્ઠ પ્રદર્શન
છ એથ્લેટ્સના મુકાબલામાં સુવર્ણ રાજે શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું. તેણે પોતાના છ પ્રયાસોમાંથી ચાર વખત 15 મીટરથી વધુ દૂર ડિસ્કસ ફેંકીને સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનો ગોલ્ડ મેડલ વિજેતા થ્રો પાંચમા પ્રયાસમાં (15.66 મીટર) આવ્યો હતો, જેના આધારે તે પોડિયમમાં ટોચના સ્થાને રહી હતી. આ ઇવેન્ટમાં ઈરાનની શહલા હદીદીએ 15.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ અને વિયેતનામના ન્ગુયેન થી એનગોક થુઇએ 14.65 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તીરંદાજીમાં સ્વાતી ચૌધરીને સિલ્વર મેડલ
બીજી તરફ, ભારતની મહિલા પેરા-આર્ચર (તીરંદાજ) સ્વાતી ચૌધરી મહિલાઓની W1 ઇન્ડિવિઝ્યુઅલ આર્ચરી ઇવેન્ટની ફાઇનલમાં ચીનની મેંગકન સેન સામે 4-6 થી હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સ્વાતી પાસે ભારતને તીરંદાજીમાં પ્રથમ ગોલ્ડ અપાવવાની શ્રેષ્ઠ તક હતી અને તે પ્રથમ ત્રણ એન્ડ બાદ 4-2 થી આગળ પણ ચાલી રહી હતી. જોકે, ચીનની ખેલાડીએ વાપસી કરીને ફાઇનલ 6-4 થી જીતી લીધી હતી.
બેડમિન્ટનમાં મનીષા અને પ્રમોદને બ્રોન્ઝ
પેરા-બેડમિન્ટનમાં મિશ્ર ડબલ્સ (SL3-SU5 ઇવેન્ટ) ની સેમિફાઇનલમાં ભારતની મનીષા રામદાસ અને પ્રમોદ ભગતની જોડીનો ઇન્ડોનેશિયાની ઓક્ટિલા લેની રાત્રી અને હિકમત રામદાની સામે 21-16, 13-21, 17-21 થી પરાજય થયો હતો. પ્રથમ ગેમ જીત્યા બાદ ભારતીય જોડી આગામી બે ગેમ ગુમાવી બેસતાં તેમણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. હવે ફાઇનલમાં ઇન્ડોનેશિયાની આ જોડીનો સામનો ભારતની તુલસીમથી મુરુગેશન અને નિતેશ કુમાર સામે થશે, જેમાં ભારત પાસે ગોલ્ડ જીતવાની તક રહેશે.
આજ દિવસ સુધીમાં જીતેલા ત્રણ મેડલ સાથે એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતની કુલ મેડલ સંખ્યા 65 પર પહોંચી ગઈ છે, જેમાં 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 28 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
