Sachin Khilari Gold Medal: જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી 2026 એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. મેન્સ શૉટ પુટ (ગોળા ફેંક) F46 સ્પર્ધામાં ભારતે સંપૂર્ણ ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ ભારતીય ખેલાડીઓએ પોતાના નામે કરીને ત્રિરંગો લહેરાવ્યો છે. સ્ટાર એથ્લેટ સચિન ખિલારીએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15.79 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોહમ્મદ યાસીરે 15.06 મીટરના સીઝન-બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ અને પ્રવીણે 13.83 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવીને ક્લીન સ્વીપ પૂર્ણ કરી હતી.
કોણ છે સચિન ખિલારી? સફળતા પાછળ સંઘર્ષની કથા
સચિન ખિલારી પેરા સ્પોર્ટ્સની દુનિયામાં એક જાણીતું અને પ્રતિષ્ઠિત નામ છે. તે પેરાલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ અને બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે. માત્ર 9 વર્ષની નાની વયે એક સાયકલ અકસ્માતમાં સચિનનો ડાબો હાથ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેના હાથની હિલચાલ મર્યાદિત થઈ ગઈ હતી. પરંતુ આ શારીરિક પડકારે તેના જુસ્સાને ક્યારેય અટકવા દીધો નહીં.
સચિને શરૂઆતમાં ભાલા ફેંકમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ ખભાની ઇજાના કારણે તેણે શૉટ પુટ રમત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. F46 વર્ગીકરણમાં રમતા સચિને 2024ની પેરિસ પેરાલિમ્પિક્સમાં 16.32 મીટરના એશિયન રેકોર્ડ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 2023 અને 2024માં સળંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ મેળવ્યા હતા તથા હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પણ સવર્ણ પદક જીત્યો હતો. કોચ સત્યનારાયણના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતા સચિનને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) હેઠળ સહયોગ મળ્યો છે. રમતગમતમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેને વર્ષ 2024 માં પ્રતિષ્ઠિત 'અર્જુન એવોર્ડ' થી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.
2026 એશિયન પેરા ગેમ્સમાં ભારતની ધમાકેદાર શરૂઆત
આઈચી-નાગોયા 2026 એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ટુકડીએ અત્યંત મજબૂત અને પ્રભાવશાળી શરૂઆત કરી છે. સચિન ખિલારી દ્વારા જીતવામાં આવેલો આ ગોલ્ડ મેડલ આ પ્રતિયોગિતામાં ભારતનો 12મો ગોલ્ડ મેડલ હતો, જેનાથી ભારતની કુલ મેડલ સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, 2023માં યોજાયેલી હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ સહિત કુલ 111 મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો, જે 2018 જકાર્તા ગેમ્સના 72 મેડલના રેકોર્ડ કરતાં ઘણો વધારે હતો. તે સમયે ચીન, ઈરાન, જાપાન અને દક્ષિણ કોરિયા પછી ભારત મેડલ ટેલીમાં પાંચમા ક્રમે રહ્યું હતું. આ વર્ષે પણ ભારતીય ખેલાડીઓ જે લયમાં રમી રહ્યા છે તે જોતાં દેશ ફરી એકવાર પોતાના જૂના 111 મેડલના રેકોર્ડને તોડવા તરફ આગળ વધી રહ્યો છે.
