જાપાનમાં દાહોદની દીકરીનો ડંકો! તેજલબેને એશિયન પેરા ગેમ્સમાં રચ્યો ઈતિહાસ

જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સ 2026માં ગુજરાતની દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન ડામોરે 200m T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 21 Oct 2026 01:57 AM (IST)Updated: Wed, 21 Oct 2026 01:57 AM (IST)
dahods-daughter-tejalben-damor-creates-history-at-the-asian-para-games

Tejal Damor Asian Para Games 2026: ગુજરાતની રમતગમત ક્ષેત્રની ક્ષમતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ચમકી છે. જાપાનના આઇચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ-2026માં દાહોદની દૃષ્ટિબાધિત દોડવીર તેજલબેન અમરજી ડામોરે મહિલાઓની 200 મીટર T12 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે જીત્યો મેડલ

ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગ લઈ રહેલી 24 વર્ષીય તેજલબેને હીટ્સમાં 25.25 સેકન્ડનો પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ સમય (Personal Best) નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર 2026માં યોજાયેલી દુબઈ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં પણ તેણે 25.47 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

naidunia_image

સફળતાનો શ્રેય કોચ અને કઠોર શિસ્તને આપ્યો

પોતાની આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતાં તેજલબેને જણાવ્યું હતું કે- આ મેડલ મારી એકલાની મહેનત નથી, પરંતુ મારા કોચ નીતિન ચૌધરીનું યોગ્ય માર્ગદર્શન, શિસ્ત અને દિવસ-રાતની મહેનતનું પરિણામ છે.

સંઘર્ષથી સફળતા સુધીની સફર

આર્થિક અને શારીરિક પડકારો વચ્ચે પણ હિંમત ન હારનાર તેજલબેને વર્ષ 2022થી પેરા એથ્લેટિક્સમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 2025ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં છઠ્ઠું સ્થાન મેળવ્યા બાદ તેણે સતત સુધારો કર્યો અને 2026ની નેશનલ ચેમ્પિયનશિપ તથા દુબઈ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણ પદક જીત્યા હતા.

કેન્દ્ર સરકાર અને SAI તરફથી સહયોગ

કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ACTC યોજના અંતર્ગત તેજલબેનની તૈયારીઓ માટે રૂ. 2,05,961ની આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત SAI ગાંધીનગર ખાતે તેને વર્લ્ડ-ક્લાસ કોચિંગ, ડાયેટ અને ટ્રેનિંગની માળખાકીય સુવિધાઓ આપવામાં આવી રહી છે.

આગામી લક્ષ્ય: 400 મીટર રેસ અને દાહોદમાં વિશેષ ટ્રેકનું સ્વપ્ન

તેજલબેનની મુખ્ય ઇવેન્ટ 400 મીટર T12 રેસ છે, જે હવે પછી યોજાનાર છે. 200 મીટરમાં મેડલ મળવાથી તેનો આત્મવિશ્વાસ બમણો થયો છે. આ સાથે જ તેજલબેને પોતાનું એક સપનું વ્યક્ત કરતા કહ્યું કે, તે પોતાના હોમટાઉન દાહોદમાં દૃષ્ટિબાધિત બાળકો માટે દોડવાનો એક સ્પેશિયલ ટ્રેક તૈયાર કરવા માંગે છે જેથી અન્ય બાળકો પણ આગળ આવી શકે.