Tulsi Vivah 2026 Date and Time: સનાતન ધર્મમાં તુલસી વિવાહનું અનેરું અને વિશેષ મહત્વ રહેલું છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશી પછીના દિવસે એટલે કે કાર્તિક શુક્લ દ્વાદશીના રોજ તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે તુલસી વિવાહનું પર્વ 21 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રા બાદ જાગૃત થાય છે અને ચાતુર્માસ પૂર્ણ થાય છે. તુલસી વિવાહ સાથે જ હિન્દુ ધર્મમાં લગ્ન સહિતના તમામ માંગલિક કાર્યો પરનો પ્રતિબંધ દૂર થાય છે અને ફરીથી લગ્નસરાની મોસમ શરૂ થાય છે.
તુલસી વિવાહની તારીખ અને સમય
હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 21 નવેમ્બરના રોજ સવારે 06:31 વાગ્યે શરૂ થશે અને 22 નવેમ્બરના રોજ સવારે 04:56 વાગ્યે પૂર્ણ થશે. ઉદયા તિથિ અને મુહૂર્તને ધ્યાનમાં રાખતા તુલસી વિવાહ 21 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
મોક્ષ અને સૌભાગ્યની પ્રાપ્તિ
તુલસી અને શાલિગ્રામના લગ્ન એક ધાર્મિક ઉત્સવ છે જે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. એવી માન્યતા છે કે જે યુગલોને સંતાન સુખ નથી મળતું, તેઓ જો તુલસી વિવાહ કરે તો તેમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત, તુલસી વિવાહમાં 'કન્યાદાન' કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે.
પૂજા માટેની આવશ્યક સામગ્રી
- તુલસીનો છોડ અને શાલિગ્રામ શીલા
- બાજોઠ (ચોકી) અને મંડપ માટે શેરડી અથવા કેળાના પાન
- લાલ ચુંદડી (તુલસી માતા માટે) અને પીળા વસ્ત્ર (ભગવાન શાલિગ્રામ માટે)
- હળદર, કંકુ, ચંદન, અક્ષત (ચોખા)
- ફૂલો અને હાર
- સિંગારની સામગ્રી (બંગડી, ચાંદલો વગેરે)
- પ્રસાદ/નૈવેદ્ય (ખીર, ફળ, મીઠાઈ)
- નાળિયેર, સોપારી, યજ્ઞોપવીત (જનોઈ) અને કપૂર
પૂજા અને વિવાહની વિધિ
- સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. આંગણામાં શેરડી અથવા કેળાના પાનનો મંડપ બનાવી તુલસી ક્યારાને શણગારો.
- તુલસીના ક્યારામાં ભગવાન શાલિગ્રામને પીળા વસ્ત્રમાં લપેટીને સ્થાપિત કરો.
- હાથમાં જળ અને ફૂલ લઈ સંકલ્પ કરો: 'मम सर्व पाप क्षय द्वाराऽय तुलसी-शालिग्राम विवाहं करिष्ये।'
- તુલસી માતાને લાલ ચુંદડી ઓઢાડો અને સોળે શણગાર સજાવો. શાલિગ્રામજીને જનોઈ અને પીળા વસ્ત્ર અર્પણ કરો.
- શાસ્ત્રોક્ત વિધિ મુજબ હળદર અને સિંદૂર અર્પણ કરો. ત્યારબાદ કન્યાદાનની વિધિ કરો અને મંત્રોચ્ચાર સાથે તુલસીના મૂળમાં જળ અર્પણ કરો. મંત્ર: 'मां तुलस्यै नमः, श्री शालिग्रामाय नमः।'.
- અંતે પરિવાર સાથે મળીને વિષ્ણુ ભગવાન અને તુલસી માતાની આરતી ઉતારો અને મંગલ ગીતો ગાઓ.
તુલસી વિવાહ માટેના શુભ મુહૂર્ત (21 નવેમ્બર)
- બ્રહ્મ મુહૂર્ત: 05:13 થી 06:05
- અભિજિત મુહૂર્ત: 12:03 થી 12:47
- વિજય મુહૂર્ત: 14:15 થી 14:59
- ગોધુલી મુહૂર્ત: 17:54 થી 18:20 (સાંજની પૂજા માટે શ્રેષ્ઠ)
- સાાયહ્ન સંધ્યા: 17:54 થી 19:12
- નિશિતા મુહૂર્ત: 00:00 થી 00:52 (22 નવેમ્બર)
