Alakshmi Katha: હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે, લક્ષ્મીજીની એક મોટી બહેન અલક્ષ્મી પણ છે. જેમનો સ્વભાવ અને સ્વરૂપ બન્ને લક્ષ્મી માતાથી તદ્દન વિપરિત છે. અલક્ષ્મીને દરિદ્રતા અને કલેશની દેવી કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કોણ છે અલક્ષ્મી, તેમનો જન્મ કેવી રીતે થયો અને તે કેવી જગ્યા પર નિવાસ કરે છે?
પૌરાણિક માન્યતા પ્રમાણે પદ્મપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, ત્યારે સૌથી પહેલા દેવી અલક્ષ્મી પ્રકટ થયા હતા. જે બાદ માઁ લક્ષ્મી પ્રકટ થયા હતા.
આ પણ વાંચો
આ સમયે અલક્ષ્મીએ આસુરી શક્તિઓના સાથે જવાનું પસંદ કર્યું. જ્યારે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર કર્યો. આજ કારણોસર લક્ષ્મીજીને સુખ-સમૃદ્ધિની દેવી, જ્યારે અલક્ષ્મીને દરિદ્રતા અને દુર્ભાગ્યની દેવી કહેવામાં આવે છે.
જ્યારે અલક્ષ્મીએ દેવતાઓને પૂછ્યું કે, તે ક્યાં રહેશે. જેના જવાબમાં દેવતાઓએ કહ્યું હતું કે, જ્યાં ઝઘડા થતા હોય, ગંદકી હોય, લોકો અધર્મ કરે, સ્ત્રીઓનું અપમાન કરે અને સતત જૂઠ્ઠુબ બોલતા હોય, ત્યાં જ તમારો વાસ હશે. આથી જ એવું કહેવાય છે કે, જ્યાં સ્વચ્છતા, શાંતિ અને ધર્મનું પાલન થતું હોય, ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ નથી કરી શકતી.
અન્ય એક લોકવાયકા પ્રમાણે, જ્યારે ભગવાન વિષ્ણુના વિવાહ માતા લક્ષ્મીજી સાથે થયા, ત્યારે દેવી અલક્ષ્મી પણ વૈકુંઠ ધામ પહોંચી ગયા. જ્યારે પણ ભગવાન વિષ્ણું એકલા હોય, ત્યારે અલક્ષ્મી ગંદા પગ અને વિખેરાયેલા વાળ સાથે તેમની નજીક જઈને બેસી જતા. આ જોઈને લક્ષ્મીજી ક્રોધિત થઈ ગયા અને તેમણે અલક્ષ્મીને શ્રાપ આપ્યો કે, જે ઘરોમાં નિયમિત સાફ-સફાઈ નહીં થતી હોય, ત્યાં તારો વાસ રહેશે. તારા આગમન સાથે જ ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરશે.
ઘર અને દુકાનો બહાર લીંબુ-મરચા લટકાવવાની માન્યતા
આપણે ઘણાં ઘરો અને દુકાનોની બહાર લીંબુ અને મરચા સાથે લટકાયેલા જોયા હશે. જેની પાછળ એવી માન્યતા છે કે, દેવી અલક્ષ્મીને ખાટો અને તીખો સ્વાદ ખૂબ જ ગમે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે લીંબુ-મરચા લટકાવવામાં આવે, તો અલક્ષ્મી દરવાજા પર જ તેનો સ્વાદ માણે છે અને ઘર કે દુકાનની અંદર પ્રવેશ નથી કરતી. આથી આ ઉપાય દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે કરવામાં આવે છે.
