Navratri Kalash Sthapana Muhurat 2026: 11 ઓક્ટોબરથી આદ્યશક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

વૈદિક કેલેન્ડર અને જ્યોતિષીય ગણતરીઓ મુજબ, વર્ષ 2026 માં શારદીય નવરાત્રીનો પ્રારંભ 11 ઓક્ટોબરથી થશે અને 20 ઓક્ટોબરના રોજ વિજયાદશમી સાથે તેની પૂર્ણાહુતિ થશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 25 Dec 2025 10:39 AM (IST)Updated: Thu, 25 Dec 2025 10:39 AM (IST)
shardiya-navratri-2026-kalash-sthapana-ghatasthapana-shubh-muhurat-date-time-tithi-puja-vidhi-mantra-samagri-list-in-gujarati

Shardiya Navratri Kalash Sthapana Muhurat 2026: સનાતન ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ એટલે કે શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. વૈદિક કેલેન્ડર અને જ્યોતિષીય ગણતરીઓ મુજબ, વર્ષ 2026 માં શારદીય નવરાત્રીનો પ્રારંભ 11 ઓક્ટોબરથી થશે અને 20 ઓક્ટોબરના રોજ વિજયાદશમી સાથે તેની પૂર્ણાહુતિ થશે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન (કળશ સ્થાપના)નું અનેરું મહત્વ હોય છે, ત્યારે આવો જાણીએ વર્ષ 2026 માટેના શુભ મુહૂર્ત અને પૂજાવિધિ વિશે.

ક્યારે છે ઘટસ્થાપન? (તારીખ અને તિથિ)

હિન્દુ પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકમ (પ્રતિપદા) તિથિ 10 ઓક્ટોબર, 2026 ના રોજ શનિવારે સવારે 09:19 વાગ્યે શરૂ થશે, જે 11 ઓક્ટોબરના રોજ સવારે 09:30 વાગ્યે પૂર્ણ થશે. શાસ્ત્રોમાં સૂર્યોદય વ્યાપિની તિથિને મુખ્ય માનવામાં આવતી હોવાથી, નવરાત્રીનો વિધિવત પ્રારંભ 11 ઓક્ટોબર, 2026 થી થશે.

ઘટસ્થાપન માટેના શુભ મુહૂર્ત

જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 11 ઓક્ટોબરના રોજ ભક્તો માટે ઘટસ્થાપન કરવા માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત ઉપલબ્ધ છે:

  • સવારનું મુહૂર્ત: સવારે 06:35 થી 10:29 વાગ્યા સુધી (કુલ સમયગાળો: 3 કલાક 54 મિનિટ).
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:03 થી 12:50 વાગ્યા સુધી (કુલ સમયગાળો: 47 મિનિટ).

નક્ષત્ર અને યોગની સ્થિતિ આ વર્ષે ઘટસ્થાપન દરમિયાન ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગનો સંયોગ બની રહ્યો છે.

  • ચિત્રા નક્ષત્ર: 10 ઓક્ટોબર રાત્રે 09:42 થી 11 ઓક્ટોબર રાત્રે 10:32 સુધી.
  • વૈધૃતિ યોગ: 10 ઓક્ટોબર રાત્રે 10:02 થી 11 ઓક્ટોબર રાત્રે 09:05 સુધી.

ઘટસ્થાપન માટેની વિધિ

માતાજીની કૃપા મેળવવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કળશ સ્થાપના કરવી જોઈએ:

  • પ્રથમ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને મંદિર કે પૂજા સ્થાનને સાફ કરો.
  • ઘટસ્થાપનની જગ્યાએ ગંગાજળ છાંટી પવિત્ર કરો અને હળદરથી હળદરથી આઠ પાંખડીવાળા કમળનું ફૂલ દોરો.
  • માટી, તાંબા અથવા ચાંદીના કળશમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં ગંગાજળ ઉમેરો.
  • કળશમાં સિક્કો, ફૂલ, સોપારી અને ચોખા (અક્ષત) પધરાવો.
  • એક નાળિયેર પર લાલ કપડું લપેટીને તેને કળશ પર સ્થાપિત કરો.
  • કળશ પર કંકુથી તિલક કરો અને માતા દુર્ગાનું ધ્યાન ધરીને પૂજાનો સંકલ્પ લો.

શારદીય નવરાત્રી 2026: માતાજીના સ્વરૂપોનું પૂજા શિડ્યુલ

  • 11 ઓક્ટોબર: પ્રતિપદા (ઘટસ્થાપન) - માં શૈલપુત્રી પૂજા
  • 12 ઓક્ટોબર: દ્વિતિયા - માં બ્રહ્મચારિણી પૂજા
  • 13 ઓક્ટોબર: તૃતીયા - માં ચંદ્રઘંટા પૂજા
  • 14 ઓક્ટોબર: ચતુર્થી - માં કુષ્માંડા પૂજા
  • 15 ઓક્ટોબર: પંચમી - માં સ્કંદમાતા પૂજા
  • 16 ઓક્ટોબર: ષષ્ઠી - માં કાત્યાયની પૂજા
  • 17 ઓક્ટોબર: સપ્તમી - માં કાલરાત્રી પૂજા
  • 18 ઓક્ટોબર: સપ્તમી (વિશેષ પૂજા)
  • 19 ઓક્ટોબર: મહાઅષ્ટમી - માં મહાગૌરી પૂજા
  • 20 ઓક્ટોબર: મહાનવમી - માં સિદ્ધિદાત્રી પૂજા, વિજયાદશમી (દશેરા) અને પારણા

11 ઓક્ટોબર 2026 ના રોજનું પંચાંગ

  • સૂર્યોદય: સવારે 06:20
  • સૂર્યાસ્ત: સાંજે 05:57
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:41 થી 05:31
  • અભિજિત મુહૂર્ત: સવારે 11:45 થી બપોરે 12:32