Sharad Purnima 2026 Date, Time, Puja Vidhi, Muhurat: હિન્દુ ધર્મમાં અશ્વિન માસની પૂર્ણિમા એટલે કે 'શરદ પૂર્ણિમા'નું અનેરૂ મહત્વ રહેલું છે, જેને કોજાગિરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ એકમાત્ર એવી રાત્રિ છે જ્યારે ચંદ્ર તેની સોળે કળાઓમાં ખીલેલો હોય છે અને પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવી માન્યતા છે કે આ રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃતની વર્ષા થાય છે. વર્ષ 2026 માં આ પાવન પર્વ ક્યારે ઉજવાશે અને તેનું શું મહત્વ છે, તે અંગેની વિગતવાર માહિતી અહીં મેળવો.
શરદ પૂર્ણિમા 2026 તારીખ
હિન્દુ પંચાંગની ગણતરી મુજબ, અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 25 ઓક્ટોબરના રોજ સવારે 11:55 વાગ્યે થશે, જે બીજા દિવસે 26 ઓક્ટોબરના રોજ સવારે 09:41 વાગ્યે પૂર્ણ થશે. ઉદયાતિથિ અને રાત્રિના ચંદ્ર પૂજનના મહત્વને ધ્યાનમાં રાખતા, આ વર્ષે શરદ પૂર્ણિમાનો ઉત્સવ 25 ઓક્ટોબર, 2026 ના રોજ મનાવવામાં આવશે.
- ચંદ્રોદય સમય: સાંજે 04:56 વાગ્યે
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:47 થી 05:38 સુધી
ખીર અને અમૃત વર્ષાનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં વિશેષ ઔષધીય ગુણો હોય છે. આથી જ આ રાત્રે ખુલ્લા આકાશ નીચે દૂધ-પૌંઆ અથવા ખીર રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ચાંદનીમાં રાખેલી ખીર અમૃત સમાન બની જાય છે, જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. આ ઉપરાંત, આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને સુખમાં વૃદ્ધિ થાય છે.
શરદ પૂર્ણિમા પૂજા વિધિ
- સવારે વહેલા ઉઠીને સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને પવિત્ર સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
- વ્રતનો સંકલ્પ લઈ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવી. તેમને ફળ, ફૂલ, અક્ષત, ધૂપ અને દીપ અર્પણ કરવા.
- આ દિવસે ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ ધરાવવો વિશેષ ફળદાયી છે.
- સાંજના સમયે ચંદ્ર દેવની પૂજા કરવી અને દૂધ, ચોખા અને સફેદ ફૂલ મિશ્રિત જળથી અર્ઘ્ય અર્પણ કરવું.
- રાત્રે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવી અને બીજા દિવસે સવારે પ્રસાદ તરીકે તેનું સેવન કરવું.
- પૂર્ણિમાના પવિત્ર દિવસે અનાજ, વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવું પુણ્યશાળી ગણાય છે.
