Raksha Bandhan 2026 Date and Time: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ બંધનનું પ્રતીક એટલે રક્ષાબંધન. આ તહેવારની સમગ્ર દેશમાં આતુરતાથી રાહ જોવાતી હોય છે. પરિવારમાં સ્નેહ અને સૌહાર્દ વધારતા આ પર્વનું આગામી વર્ષે એટલે કે 2026 માં ક્યારે આયોજન થશે, તેની તારીખો અને મુહૂર્ત શું છે. રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળ અને શુભ મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આવો જાણીએ 2026 માં રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય કયો છે.
રક્ષાબંધન 2026 તારીખ અને તિથિ
વર્ષ 2026 માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 09:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 09:48 વાગ્યે પૂર્ણ થશે.
રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
આગામી વર્ષે રક્ષાબંધન પર સૌથી મોટી રાહત એ છે કે ભદ્રા કાળનું કોઈ વિઘ્ન રહેશે નહીં. જોકે, પૂર્ણિમા તિથિ સવારે પૂરી થતી હોવાથી વહેલી સવારે રાખડી બાંધવી શ્રેષ્ઠ રહેશે.
- શુભ મુહૂર્ત: 28 ઓગસ્ટના રોજ સવારે 05:57 થી સવારે 09:48 સુધી.
- કુલ સમયગાળો: બહેનોને ભાઈના કાંડે રાખડી બાંધવા માટે કુલ 3 કલાક અને 51 મિનિટનો શ્રેષ્ઠ સમય મળશે.
પૌરાણિક મહત્વ અને ઉપકર્મ
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ સમાજમાં જનોઈ બદલવાની વિધિ એટલે કે 'ઉપકર્મ'નું પણ અનેરું મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તહેવારનો સંબંધ દેવી ઈન્દ્રાણી અને ભગવાન ઈન્દ્ર સાથે પણ જોડાયેલો છે, જ્યાં રક્ષા સૂત્રના પ્રભાવથી ઈન્દ્રને રાક્ષસો પર વિજય મળ્યો હતો. આ ઉપરાંત, મહાભારત કાળમાં દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને આંગળી પર ચીરો બાંધ્યો હતો અને બદલામાં શ્રીકૃષ્ણે તેમની રક્ષાનું વચન આપ્યું હતું, ત્યારથી રક્ષાબંધનની પરંપરા વધુ દ્રઢ બની હોવાનું મનાય છે.
