Vastu For Money: શું તમારા ઘરમાં પૈસા નથી ટકતાં? તો અજમાવો વાસ્તુનો આ નાનકડો ચમત્કારિક ઉપાય, આર્થિક મુશ્કેલી થવા માંડશે દૂર

એક નાડાછડીની દિવેટને ઘીમાં પલાળીને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં દીવો પ્રકટાવવો જોઈએ. આ દરમિયાન મનમાં આર્થિક સદ્ધરતા અને ધનની સ્થિરતા માટે પ્રાર્થના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Apr 2026 10:53 PM (IST)Updated: Tue, 14 Apr 2026 10:53 PM (IST)
money-doesnt-stay-at-home-try-this-simple-vastu-remedy-for-financial-stability
HIGHLIGHTS
  • ઘરના દક્ષિણ-પૂર્વ દિશાનો સીધો સબંધ ધન, ઉર્જા અને ખર્ચા સાથે માનવામાં આવે છે
  • ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં ક્યારેય ગંદકી, ભંગાર, ટૉઈલેટ કે અંધારું ના રાખવું જોઈએ

Vastu For Money: આપણાંમાંથી ઘણા લોકો સાથે એવું થતું જ હશે કે, ઘરમાં પૈસા તો ખૂબ જ આવે છે, પરંતુ વધારે દિવસ સુધી ટકતા નથી. ઘણીવાર અણધાર્યા ખર્ચા એકદમ વધી જાય છે કે, પૈસાની બચત પણ નથી થઈ શકતી. ધંધામાં પણ ફાયદાની જગ્યાએ આકસ્મિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. જેની પાછળ ઘરની દિશાઓનું અસંતુલન એક મોટું કારણ હોઈ શકે છે.

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, ઘરના દક્ષિણ-પૂર્વ દિશાનો સબંધ અગ્નિ કોણ સાથે હોય છે. તેનો સીધો સબંધ ધન, ઉર્જા અને ખર્ચા સાથે માનવામાં આવે છે.

જ્યોતિષમાં એવી માન્યતા છે કે, જો દક્ષિણ-પૂર્વ દિશા દોષપૂર્ણ હોય, તો ઘરમાં ધન હાનિ, દેવું અને આર્થિક અસ્થિરતાની સમસ્યા વધી શકે છે. એવામાં વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ એક નાનો ઉપાય તમારા જીવનમાં ધન પ્રવાહ અને આર્થિક સ્થિરતા સુધારવામાં મદદ કરી શકે છે. તો ચાલો સેલિબ્રિટી એસ્ટ્રોલૉજર પ્રદ્યુમન સુરી પાસેથી આ આસાન ઉપાય વિશે જાણીએ, જે તમારા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં અજમાવવા માત્રથી ઘરમાં ખુશહાલીઓનું આગમન થશે…

ઘરની દક્ષિણ-પૂર્વ દિશા કેમ મહત્ત્વપૂર્ણ?

જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણ-પૂર્વ દિશાને અગ્નિ કોણ કહેવામાં આવે છે. આ દિશાના સ્વામી અગ્નિ દેવ મનાય છે. અગ્નિ ઉર્જા, શક્તિ, ખર્ચ, લેવડ-દેવડ અને આર્થિક ગતિવિધિઓનું પ્રતિનિધિત્વ કરે છે. જો આ દિશા સંતુલિત રહે, તો ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે છે અને આવકના નવા માર્ગ મળતા રહે છે.

આટલું જ નહીં, તેનાથી ઘરમાં થતાં આકસ્મિક ખર્ચાઓ પણ એકાએક ઓછા થવા લાગે છે અને નોકરીમાં પ્રગતિ અને વેપાર-ધંધામાં પણ સ્થિરતા જળવાઈ રહે છે. તમારે આ દિશાને હંમેશા ખાલી જ છોડવી જોઈએ, જેથી ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે. આ દિશાને તમામ વાસ્તુ દોષથી દૂર રાખવી જોઈએ. આ સ્થાન પર ગંદકી, ભંગાર, ટૉઈલેટ કે અંધારું ના રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની હાનિ થઈ શકે છે.

દક્ષિણ-પૂર્વ દિશામાં અજમાવો આ આસાન જ્યોતિષ ઉપાય

જો તમારા ઘરમાં સતત ધનની હાનિ થઈ રહી હોય, તો તમારે ઘરની દક્ષિણ-પૂર્વ દિશાને વ્યવસ્થિત અને સ્વચ્છ રાખવાની જરૂરત છે. એવું માનવામાં આવે છે કે, તમારે આ દિશાને કાયમ ખુલ્લી જ રાખવી જોઈએ, જેથી ઘરમાં ખુશહાલી રહે. આ સાથે જ તમારે એક સરળ ઉપાય અજમાવવાની જરૂર છે.

આ માટે તમારે એક નાડાછડીની દિવેટને ઘીમાં પલાળીને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં દીવો પ્રકટાવવો જોઈએ. જેનાથી ઘરમાં ધન અને સકારાત્મક ઉર્જાનો સારો પ્રવાહ જળવાય છે.

સૌ પ્રથમ તમારે ઘરની દક્ષિણ-પૂર્વ દિશાની યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. આ સ્થાનને વ્યવસ્થિત સાફ કરો, ત્યાં ગંદકી કે નકામો સામાન ના રાખશો. હવે એક માટીનું કોડિયું કે પિત્તળની દીવી લો, તેમાં દેશી ઘી ઉમેરો. હવે નાડાછડીની દીવેટ બનાવીને દીવીમાં મૂકો.

સાંજના સમયે નિયમિત આ દીવાને દક્ષિણ-પૂર્વ દિશામાં પ્રકટાવવો જોઈએ. દીવો પ્રકટાવતી વખતે મનોમન ધનની સ્થિરતા અને આર્થિક સદ્ધરતા માટે પ્રાર્થના કરો. આ ઉપાય દરરોજ અજમાવવાથી ધનનું આગમન થાય છે અને નકામા ખર્ચા નથી થતા. ઘરની દક્ષિણ-પૂર્વ દિશાને ધન સાથે સંકળાયેલી દિશા માનવામાં આવે છે. જો તમે આ દિશામાં ઉપર દર્શાવેલ ઉપાય અજમાવશો તો ધન લાભના યોગ બનશે.