Baglamukhi Jayanti 2026: હિન્દુ ધર્મમાં શક્તિની ઉપાસનાનું આગવું મહત્ત્વ છે. આટલું જ નહીં, દસ મહાવિદ્યાઓ પૈકી એક માઁ બગલામુખીને અત્યંત પ્રભાવશાળી માતાજી માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, બગલામુખી માતાજીની પૂજા કરવાથી જીવનના અનેક મોટામાં મોટા સંકટ પળભરમાં દૂર થઈ શકે છે. ખાસ કરીને જ્યારે વાત, શત્રુઓ પર વિજયની આવે, ત્યારે માતા બગલામુખીની આરાધના અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે 2026માં બગલામુખી જયંતી એક શુભ સંયોગ લઈને આવી રહી છે, જેથી તેનું મહત્ત્વ ઔર વધી જાય છે. તો ચાલો જાણીએ, આ વર્ષે ક્યારે બગલામુખી જયંતી મનાવવામાં આવશે અને તેની પૂજાની વિધિ સહિતની વિગતો…
24 એપ્રિલ, 2026ના રોજ બગલામુખી જયંતી ઉજવાશે (Baglamukhi Jayanti 2026)
આ વર્ષે આગામી 24 એપ્રિલ, 2026ના શુક્રવારના રોજ બગલામુખી જયંતી ઉજવવામાં આવશે. જો તિથિની વાત કરીએ તે, 24 એપ્રિલ સવારે 7:18 કલાકે અષ્ટમી તિથિ શરૂ થશે, જે 25 એપ્રિલ સવારે 5:51 કલાકે સમાપ્ત થશે. આ દિવસે શુક્રવારનો સંયોગ આવતો હોવાથી પૂજાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. આ દિવસે આખો દિવસ પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
બગલામુખી માતાજીની પૂજાનો મહિમા (Maa Baglamukhi Puja)
માઁ બગલામુખીને સ્તંભન શક્તિની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, બગલામુખી માતાજીની કૃપાથી વ્યક્તિ પોતાના શત્રુઓની વાણી અને બુદ્ધિને પોતાની રીતે અંકુશ કરી શકે છે.
વિરોધીઓ પર જીત મેળવવા, કોર્ટ-કચેરીના ચક્કરમાં સફળતા મેળવવા તેમજ નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ મેળવવા માટે બગલામુખી માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. બગલામુખી માતાજીને પીળો રંગ અત્યંત પ્રિય છે, આથી માતાજીને પિતામ્બરા દેવી પણ કહેવામાં આવે છે.
બગલામુખી માતાજીની પૂજાની સરળ વિધિ (Maa Baglamukhi Puja Vidhi)
- સવારે વહેલા ઉઠીને સ્નાન કરો
- પીળા રંગના વસ્ત્રો પહેરો
- પીળા આસન પર બેસીને પૂજા કરો
- માતાજીની મૂર્તિ કે તસ્વીરને ગંગાજળથી શુદ્ધ કરો
- માતાજીને પીળા ફૂલ, પીળું ચંદન, પીળા ફળ અને બેસનના લાડવાનો ભોગ ધરાવો
- ઘી કે સરસિયાના તેલનો દીવો પ્રકટાવો
- શક્ય હોય તો ઉપવાસ કરો અને માતાજીનો મંત્રજાપ અચૂક કરો
બગલામુખી માતાજીનો શક્તિશાળી મંત્ર (Baglamukhi Mantra)
બગલામુખી માતાજીની પૂજા દરમિયાન આ 'ॐ ह्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्वान्कीलय बुद्धिं विनाशय ह्रीं ओम् स्वाहा.' મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. હળદરની માળાથી આ મંત્રનો જાપ કરવો સૌથી શ્રેષ્ઠ મનાય છે.
ભારતમાં બગલામુખી માતાજીના સૌથી પ્રખ્યાત મંદિરોની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલ બગલામુખી મંદિર મુખ્ય છે. આ સિવાય મધ્ય પ્રદેશના દતિયા સ્થિત પિતામ્બરા પીઠ મંદિર પણ છે. બગલામુખી જયંતીના દિવસે માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા, હવન અને અનુષ્ઠાન થાય છે, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો સામેલ થાય છે.
