Labh Pancham Muhurat 2026: દિવાળીના મંગલ પર્વનો અંતિમ પડાવ એટલે લાભ પાંચમ. ગુજરાતમાં લાભ પાંચમનો અનેરો મહિમા છે, જેને 'સૌભાગ્ય પંચમી' કે 'જ્ઞાન પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ સાથે જ દિવાળીના મિની વેકેશનનો અંત આવે છે અને બજારો ફરી ધમધમતા થાય છે. આ વર્ષે લાભ પાંચમનો તહેવાર 14 નવેમ્બર 2026, શનિવારના રોજ ઉજવવામાં આવશે. વેપારીઓ માટે નવું કાર્ય શરૂ કરવા અને ચોપડા પૂજન માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે.
લાભ પાંચમ 2026 તિથિ અને તારીખ
હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક માસના શુક્લ પક્ષની પાંચમ તિથિનો પ્રારંભ 13 નવેમ્બરના રોજ રાત્રે 08:42 વાગ્યે થશે અને સમાપ્તી 14 નવેમ્બરના રોજ રાત્રે 11:23 વાગ્યે થશે. ઉદયાતિથિના નિયમ મુજબ, લાભ પાંચમ 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
પૂજા માટેના શુભ મુહૂર્ત અને ચોઘડિયા
નવા વ્યવસાયનો પ્રારંભ કરવા કે ખાતાવહીની પૂજા કરવા માટે નીચે મુજબના મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે:
- પૂજા માટે સર્વોત્તમ મુહૂર્ત: સવારે 06:52 થી 10:33 વાગ્યા સુધી (કુલ સમયગાળો: 03 કલાક અને 41 મિનિટ)
- અભિજીત મુહૂર્ત: 12:02 PM થી 12:46 PM
- વિજય મુહૂર્ત: 02:14 PM થી 02:59 PM
- રવિ યોગ: રાત્રે 08:24 PM થી બીજા દિવસે સવારે 06:53 AM સુધી
શુભ ચોઘડિયા (14 નવેમ્બર 2026):
દિવસના ચોઘડિયા:
- શુભ: 08:15 AM થી 09:38 AM
- લાભ: 01:47 PM થી 03:10 PM
- અમૃત: 03:10 PM થી 04:33 PM
રાત્રિના ચોઘડિયા:
- લાભ: 05:56 PM થી 07:33 PM
- શુભ: 09:10 PM થી 10:47 PM
- અમૃત: 10:47 PM થી 12:24 AM (15 નવેમ્બર)
લાભ પાંચમનું મહત્વ
આ દિવસે વેપારીઓ પોતાના વ્યવસાયમાં વૃદ્ધિ થાય તે માટે 'શુભ-લાભ' અને 'સ્વસ્તિક' દોરીને નવા હિસાબી ચોપડાનું ઉદ્ઘાટન કરે છે. માન્યતા છે કે દિવાળીથી લાભ પાંચમ સુધી રજા રાખ્યા બાદ આ દિવસે દુકાન ખોલવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે, ઘરમાં સુખ-શાંતિ જળવાય છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘણા શ્રદ્ધાળુઓ આ દિવસે ઉપવાસ પણ રાખે છે.
પૂજા વિધિ
- સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું.
- પૂજા સ્થાન પર ગણેશજી, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી.
- ગણેશજીને ચંદન, સિંદૂર અને દુર્વા અર્પણ કરવા.
- ભગવાન શિવને બિલીપત્ર અને સફેદ વસ્ત્ર તથા ધતુરાના પુષ્પ અર્પણ કરવા.
- માતા લક્ષ્મીને હલવો અને પૂરીનો ભોગ ધરાવી સમૃદ્ધિની કામના કરવી.
- અંતમાં આરતી કરી સૌને પ્રસાદ વહેંચવો.
