Pujya Bhaishri Rameshbhai Oza: આધ્યાત્મિક ગુરુ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા શ્રીમદ્ ભાગવત સપ્તાહ દ્વારા અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. હતાશ અને નિરાશ થયેલા લોકોને જીવનમાં નવી રાહ બતાવવાનું કામ તેઓ કરી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવેલી પ્રેરણાત્મક વાતો ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ભાઈશ્રીએ કહેલી જીવન જીવવાની કળા અને મનની શુદ્ધિ વિશે જે પ્રેરણાત્મક વાતો સૌને નવો રાહ ચીંધે છે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે જે રીતે આપણે શરીરની સ્વચ્છતા માટે સ્નાન કરીએ છીએ, તેમ મનની સ્વચ્છતા માટે કથા શ્રવણ અને ધ્યાન અત્યંત જરૂરી છે.
મન અને શરીરની સ્વસ્થતાનું મહત્વ
આ પણ વાંચો
પૂજ્ય ભાઈશ્રીએ સમજાવ્યું કે શરીર સ્થૂળ છે અને મન સૂક્ષ્મ છે, પરંતુ શરીર કરતાં મન પાસે તાકાત ઘણી વધુ છે. મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. જો મન મજબૂત હોય તો ગમે તેવી સાંસારિક સમસ્યાઓ સામે માણસ ટકી શકે છે, કારણ કે સંસારનું બીજું નામ જ સમસ્યા છે. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત અને યોગ્ય શ્રમની જરૂર છે, તેવી જ રીતે મનને પ્રેમ અને આધ્યાત્મિક ખોરાકની જરૂર છે.
શ્રમ અને પ્રેમ: ઋષિ જીવનનો આદર્શ
ભાઈશ્રીએ વિનોબા ભાવેના વિચારોનો સંદર્ભ આપતા જણાવ્યું કે શ્રમ અને પ્રેમ એ બે શબ્દો ગૃહસ્થાશ્રમ અને ઋષિ જીવનનો આધાર છે. શ્રમમાં પ્રેમ હોવો જોઈએ અને જેના પ્રત્યે પ્રેમ હોય તેના માટે શ્રમ કરવામાં આનંદ આવવો જોઈએ. એક માતા પોતાના બાળક માટે આખી રાત જાગીને જે શ્રમ કરે છે તે તેને થાક નથી આપતો કારણ કે તેમાં પ્રેમ રહેલો છે. જો જીવનમાં પ્રેમ હશે તો તૃપ્તિનો અનુભવ થશે, પરંતુ જો રસનો અભાવ હશે તો આળસ ઘર કરી જશે. ભાઈશ્રીએ ચેતવણી આપતા કહ્યું કે, "આળસ એ જીવતા માણસની કબર છે".
કથા દ્વારા હૃદયની સફાઈ
શ્રીમદ્ ભાગવત કથાના મહિમા વિશે વાત કરતા ભાઈશ્રીએ અત્યંત સચોટ દ્રષ્ટાંત આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાગવત એ સાક્ષાત્ શ્રીકૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ છે. જ્યારે આપણે કથા સાંભળીએ છીએ ત્યારે ભગવાન કાનના દ્વારથી આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. હૃદયમાં જો ગંદકી કે કલુષિત ભાવો ભરેલા હોય તો ભગવાન પોતે જ મોરપીંછની સાવરણી લઈને આપણા હૃદયને સાફ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણને પોતાનું કામ પોતે કરવામાં જરાય આળસ નથી, તેઓ કોઈની મદદ વગર આપણા મનને વિશુદ્ધ બનાવે છે.
સંબંધોમાં આદર જરૂરી છે
ભાઈશ્રીએ ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્નીના સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે સ્ત્રીને જીવનમાં ત્રણ વસ્તુઓની જરૂર હોય છે: પ્રેમ, સંભાળ (Care) અને આદર. અહીં આદરનો અર્થ એ છે કે ઘરના મહત્વના નિર્ણયોમાં તેની સહભાગીદારી હોવી જોઈએ. ભગવાન દ્વારકાધીશ પણ પોતે ઘરના કામકાજમાં રુકમિણીજીને મદદ કરતા અને કોઈ પણ મહત્વના કાર્યમાં તેમની સલાહ લેતા હતા. જીવનને અમૃત જેવું બનાવવું કે ઝેર જેવું તે આપણા હાથમાં છે અને કથા આપણને આ બાબતે સાચું માર્ગદર્શન આપે છે.
