Jivantika Vrat Katha: માતા જીવંતિકાનું વ્રત શ્રાવણ માસના કોઈપણ શુક્રવારે કરી શકાય છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને સ્નાનાદિથી પરવારીને લાલ વસ્ત્ર અને લાલ આભૂષણ ધારણ કરવાના હોય છે. એક પાટલા ઉપર પાંચ દિવેટનો દીવો કરીને, પત્ર, પુષ્પ, અબીલ, ગુલાલ, ચોખા વગેરેથી માતા જીવંતિકાનું પૂજન કરવાનું હોય છે અને માંની વાર્તા સાંભળવાની હોય છે. ભક્તિપૂર્વક વંદન કરીને માંને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી. માતાજીને પ્રસાદમાં લાપસી નૈવેદ્ય ધરવું. જમણા હાથમાં ચોખા રાખીને માતાજીની આગળ હૃદયથી ભાવના રજૂ કરવી અને પછી એ ચોખાના દાણાને ચારેય દિશાઓમાં છાંટીને મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો, એક જ સમયે ભોજન લેવું.
આ વ્રતમાં ખાસ નિયમ એ છે કે બહેનોએ પીળા વસ્ત્રો, પીળા અલંકાર કે પીળા રંગની કોઈપણ વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે, ત્યાં સુધી કે સોનું પણ ધારણ ન કરે. પીળા મંડપ નીચે સૂવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં. વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા ના કરવી. આખો દિવસ માનું મનમાં, હૃદયમાં ધ્યાન ધરીને જપ કરતા રહેવું અને સંતાનની રક્ષા માટેની કામના કરવી. આ વ્રત બહેનો પાંચ વર્ષ કે નવ વર્ષ કરી શકે છે, જેવી જેની શ્રદ્ધા ભાવના. ત્યારબાદ ઉજવણું કરાય છે, જેમાં નવ વર્ષ પૂરા થાય એટલે સૌભાગ્યવતી બહેનોને કે કુમારિકાઓને તથા એક બાળકને જમાડવામાં આવે છે. પોતાના બાળકની રક્ષા માટે તથા જેમને વૃદ્ધ બાળક જન્મે છે અને જેમનું આયુષ્ય નથી હોતું, તુરંત મૃત્યુ પામે છે, તેવી માતા બહેનો પણ આ વ્રત કરી શકે છે. માંને પ્રાર્થના કરીને માંની પાસે પોતાની મનોકામના કહેવી જેથી ખોળાના ખૂંદનારની રક્ષા કરે. જીવંતિકા અર્થાત જ્યાં સુધી માતાઓ જીવે ત્યાં સુધી આ વ્રત કરી શકે છે. જીવંતિકા માતા અર્થાત માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. માં કુળદેવીની પણ પૂજા આરાધના કરી શકાય છે.
જીવંતિકાના વ્રતની પ્રાચીન કથા
પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશરમા નામના એક રાજા થઈ ગયા. તેમની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા-રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, પણ તેમને શેર માટીની ખોટ હતી. સંતાનની કમી રાજાને ખૂબ જ સતાવતી હતી.
એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટશે નિહાળી રહ્યા હતા. એટલામાં તેમની પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુયાણીનું કામ પણ કરતી હતી. દાસી ઘણી સમજૂ હતી અને રાણીના મનોભાવને તરત સમજી ગઈ. દાસી બોલી કે જો રાણીબા ખોટું ન લગાડે તો તેને એક વાત કહેવી છે, જેથી તેમનું વાંઝિયામેણું હંમેશને માટે દૂર થઈ જશે. રાણીએ જલ્દી બતાવવા કહ્યું.
દાસી બોલી કે ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે. રાણી આજથી જ વાત ફેલાવી દે કે પોતે માં બનવાના છે. ત્યારબાદ દાસી બધું કામ સંભાળી લેશે. પૂરા દિવસે બ્રાહ્મણીને જે સંતાન થશે તે દાસી લાવીને રાણીને આપી દેશે અને કોઈને કાનોકાન ખબર પડવા નહીં દે. બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા માટે તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી.
જોતજોતામાં સાત મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી સંતાનને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈને રવાના થઈ. થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું.
સવાર થતા જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ આનંદ વ્યાપી ગયો. ઘેર ઘેર દીપમાળા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું. ત્યારે બાળકની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરવા લાગી, કારણ કે પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હતો.
ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું. વીરસેન મોટા થવા લાગ્યા અને યુવાન થયા.
ત્યારે રાજા સુસરમાં અને પહેલો બ્રાહ્મણ પણ મરણ પામ્યા. વીરસેન ગાદીએ બેઠા. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી. તે પોતાની પ્રજાને પુત્રવત માનતા.
એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા. રસ્તામાં તેણે એક વણિકના ઘેરે રાતવાસો કર્યો. આ વણિકને છ બાળકો થયા હતા અને છએ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા હતા. આજે સાતમાં બાળકનો છઠ્ઠીનો દિવસ હતો. વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા. ત્યારે માં જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા.
એ વખતે વિધાત્રી વણિકના પુત્રના લેખ લખવા માટે આવ્યા. જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને વિધાત્રીને પૂછ્યું કે તેઓ અહીં કેમ આવ્યા છે. વિધાત્રીએ કહ્યું કે વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છે. ત્યારે જીવંતિકામાં બોલ્યા કે બહેન લેખમાં શું લખશો? દેવી વિધાત્રી બોલ્યા કે એના ભાગ્યમાં જે હશે તે લખીશ, છોકરો સવારે મરણ પામશે. ત્યારે માતા જીવંતિકા કહે છે કે 'ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય, હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો'. છેવટે વિધાત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને દીર્ઘ આયુષ્ય તે બાળકને લખીને ચાલતા થયા.
સવાર થતા વણિક પોતાના દીકરાને જીવતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા અને આનંદિત પણ થયા. તેણે વીરસેનને શુભ પગલાના માનીને ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયા ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા માટે કહ્યું. વીરસેને પણ હા પાડી.
પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા. ત્યાં જઈને વીરસેને પિતાજીનું શ્રાદ્ધ ક્રિયા બતાવીને જ્યાં પિંડદાન કરવા જતા હતા ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા. આ જોઈને વીરસેનને આશ્ચર્ય થયું. તેણે પિંડ એક હાથમાં મૂકી દીધા. પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી શક્યા નહીં. આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવા લાગતા હતા.
વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા. રસ્તામાં પહેલું વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘેરે ગયા. તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા સંતાનની છઠ્ઠી હતી. મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા માટે આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ પણ આજ્ઞા માન્ય રાખી.
લેખ લખીને પાછા ફરીને વિધાતાએ દેવીને પૂછ્યું કે હે જીવંતિકા દેવી તમે આ વણિકના ઘેરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ વીરસેનની આંખ ખુલી ગઈ અને તેણે કંઈક વાતો સંભળાય છે તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યા પડ્યા માતાઓની વાતો સાંભળતા હતા.
ત્યારે જીવંતિકા માં દેવી વિધાત્રીને કહે છે કે 'હે દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારા શુક્રવારનું વ્રત કરે છે, જીવંતિકાનું વ્રત કરે છે'. 'તે દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાનું પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી'. 'તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે'. 'એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું પણ જાઉં છું'. 'તેના લીધે હું આજે વણિકના ઘેરે આવી છું'. 'જ્યાં સુધી વણિકના ઘેરે મારો વાસ છે ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સે રીતે થવા દઉં'. 'મારા પગલા જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં શુભ જ થાય' આવું જીવંતિકામાં દેવી વિધાત્રીને કહે છે. ત્યારે વિધાત્રી કહે છે 'ભલે માં જેવી તમારી આજ્ઞા'.
વીરસેનને પોતાની સાચી માતાની પ્રાપ્તિ
બંને દેવીની વાત સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા. એની માતા રાણી તો કોઈ વ્રત કરતા ન હતા અને એને યાદ પણ નથી. છતાં તેણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું.
સવાર થતા વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવિત જ હતો. તેને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે. બીજા દિવસે વીરસેનને રજા માંગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી.
ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા. મહેલમાં જઈને રાણીમાંને પૂછે છે કે માં તમે ક્યું વ્રત કરો છો? ત્યારે રાણીબા બોલે છે 'બેટા હું તો એકેય વ્રત કરતી નથી'. આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી. તેને શંકા પડી કે આ મારા સગા માતા ન હોઈ શકે. તેણે પોતાની માંને શોધી કાઢવા માટે નક્કી કર્યું.
શ્રાવણ માસના શુક્રવારે રાજા વીરસેને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી બહેનો, સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે, કોઈએ ઘેરે રસોઈ બનાવવાની નથી. શુક્રવારના દિવસને કારણે બધી બહેનો પીળા વસ્ત્રો ધારણ કરીને જમવા માટે આવી. રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી રહ્યું છે.
થોડીવારમાં જ અનુચરોએ આવીને જાણ કરી કે 'હે મહારાજ એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાની ના કહે છે'. 'આજે એને જીવંતિકા માતાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્ર ધારણ નહીં કરે એવું કહે છે'. રાજા વીરસેન આખી વાત સમજી ગયા. તેણે તરત જ તે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને આવ્યા. રાજકુમાર પોતાની માતાને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા. માં-દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેરો નીકળી રાજકુમારના મોમાં પડી. આ જોતા જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા.
રાજકુમારે રાણીમાંને આ બાબતે પૂછતા રાણીમાંએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. વીરસેન પેલી બ્રાહ્મણી માતાને ભેટી પડ્યા. તેને પોતાની સાથે મહેલમાં રાખ્યા.
વ્રતનો પ્રભાવ
જીવંતિકામાંના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું હંમેશા રક્ષણ કર્યું. રાણીબાને પણ પુત્ર સુખની પ્રાપ્તિ થઈ.
હે જીવંતિકા માં, તમે જેવા બ્રાહ્મણના બાળકની રક્ષા કરી તેવી આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌના બાળકની રક્ષા કરજો. સૌને સુખ સંપત્તિ આપજો. બોલો માતા જીવંતિકાની જય. આમ, માં જીવંતિકાનું વ્રત સંતાનની રક્ષા કરનાર અને સંતાનનું સુખ આપનારું છે.
