Jivantika Vrat Puja Vidhi 2026: સંતાનોના લાંબા આયુષ્ય માટે રખાતું 'જીવંતિકા વ્રત', જાણો સંપૂર્ણ પૂજા વિધિ, મહત્વ અને કડક નિયમો

Jivantika Vrat 2026: શ્રાવણ માસના શુક્રવારે માતાઓ દ્વારા સંતાનોના રક્ષણ અને સુખાકારી માટે જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે. અહીં જાણો જીવંતિકા વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ, મહત્વ, નિયમો અને પીળા રંગના નિષેધ વિશે વિગતવાર.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 21 Aug 2026 11:57 AM (IST)Updated: Fri, 21 Aug 2026 11:57 AM (IST)
jivantika-vrat-2026-puja-vidhi-rituals-importance-and-rules-in-gujarati

Jivantika Vrat 2026 Puja Vidhi 2026 in Gujarati: શ્રાવણ માસ એટલે શ્રદ્ધા, ભક્તિ અને વ્રત-તપનો પવિત્ર સમય. આ પવિત્ર માસના પ્રત્યેક શુક્રવારે માતાઓ દ્વારા પોતાના સંતાનોના રક્ષણ, દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખાકારી માટે 'જીવંતિકા માતાનું વ્રત' કરવામાં આવે છે. સનાતન ધર્મમાં જીવંતિકા માતાને સંતાનોના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. આ વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ તેમાં પૂજાવિધિ અને કેટલાક કડક નિયમોનું શિસ્તબદ્ધ પાલન અનિવાર્ય છે.

જીવંતિકા વ્રત ક્યારે કરવું અને 2026 માં કઈ તારીખો છે શુભ?

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, શ્રાવણ માસનો પ્રત્યેક શુક્રવાર જીવંતિકા દેવીની આરાધના માટે ઉત્તમ છે. શુદ્ધ પક્ષ (અજવાળિયું) નો શુક્રવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ અનુકૂળતા ન હોય તો વધ પક્ષના (અંધારિયાના) શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે. વર્ષ 2026 ના શ્રાવણ માસમાં કુલ 5 શુક્રવાર આવે છે, જેની તારીખો નીચે મુજબ છે:

  • પ્રથમ શુક્રવાર: 14 ઓગસ્ટ
  • બીજો શુક્રવાર: 21 ઓગસ્ટ
  • ત્રીજો શુક્રવાર: 28 ઓગસ્ટ
  • ચોથો શુક્રવાર: 4 સપ્ટેમ્બર
  • પાંચમો શુક્રવાર: 11 સપ્ટેમ્બર

જો કોઈ શારીરિક અડચણ કે મુસાફરીને કારણે પ્રથમ શુક્રવારે વ્રત ન થઈ શકે, તો બહેનો બાકીના કોઈપણ એક શુક્રવારે આ વ્રત કરી શકે છે.

જીવંતિકા વ્રતના કડક નિયમો: પીળા રંગનો સંપૂર્ણ નિષેધ

જીવંતિકા વ્રતમાં રંગોનું વિશેષ મહત્વ છે. આ પૂજામાં લાલ રંગને શુભ અને પીળા રંગને વર્જિત (નિષેધ) માનવામાં આવ્યો છે.

  • વ્રત કરનાર બહેનોએ લાલ કે ગુલાબી વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા રંગના કપડાં કે પીળી ડિઝાઇન ધરાવતા વસ્ત્રો પહેરવા નહીં. વિધવા બહેનો સફેદ વસ્ત્રો ધારણ કરી શકે છે.
  • આ દિવસે સોનાના (પીળા) દાગીના પહેરવાનો ત્યાગ કરવો. જો નથણી કે બુટ્ટી કાઢી શકાય તેમ ન હોય, તો તેના પર કંકુનો ચાંદલો કરી દેવો.
  • લાલ કે ગુલાબી ફૂલ અને લાલ ફળ (દાડમ, સફરજન) અર્પણ કરવા. પીળા ફળ (કેળા, કેરી) નો ઉપયોગ કરવો નહીં. બાજોટ પીળો હોય તો તેના પર લાલ વસ્ત્ર પાથરવું.
  • વ્રતના દિવસે લીલા કે પીળા રંગના મંડપ નીચેથી પસાર થવું નહીં તેમજ વહેતા પાણીને ઓળંગવું નહીં. રસોઈમાં પીળી વસ્તુનો ઉપયોગ કરવાનો થાય તો સીધો હાથ અડાડવાને બદલે ચમચીનો ઉપયોગ કરવો.

જીવંતિકા વ્રતમાં પ્રસાદ અને આહારના નિયમો શું છે?

આ વ્રતમાં 'એકટાણું' (દિવસમાં 1 જ વાર ભોજન) કરવાનો નિયમ છે.

  • પૂજામાં ઘઉંનો શીરો ધરાવો ફરજિયાત છે. સ્વાસ્થ્યની સમસ્યા હોય તો રવાનો કે રાજગરાનો શીરો બનાવી શકાય. શીરામાં પીળા ગોળને બદલે સફેદ/કેસરી ગોળ કે ખાંડ વાપરવી.
  • સફેદ બટાકા, મોરૈયો અને સાબુદાણાની ખીચડી લઈ શકાય છે, પરંતુ તેમાં હળદરનો ઉપયોગ બિલકુલ કરવો નહીં.

નોંધ: બીમારીની પીળી દવાઓ લઈ શકાય છે. ગર્ભવતી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની અનુકૂળતા મુજબ વ્રત કરવું. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરી માતાજીનું સ્મરણ કરવું ફળદાયી છે.

જીવંતિકા માતાની પૂજાવિધિ

  • સવારે સ્નાન કર્યા બાદ લાલ વસ્ત્ર પાથરેલા બાજોટ પર માતાજીની છબી સ્થાપિત કરવી.
  • પવિત્રીકરણ કરી માતાજી સમક્ષ સંતાનોના રક્ષણ માટે સંકલ્પ લેવો. સાક્ષી રૂપે 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો.
  • માતાજીને કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને લાલ ફૂલ અર્પણ કરવા.
  • તૈયાર કરેલો શીરો અને લાલ ફળ ધરાવી માતાજીની આરતી કરવી. પૂજા દરમિયાન 'જીવંતિકા વ્રત કથા'નું શ્રવણ કરવું.
  • એકટાણું કરતા પહેલાં જમણા હાથમાં ચોખા લઈ સંતાનના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી.
  • ત્યારબાદ તે ચોખા સંતાન પર (અથવા ચારેય દિશામાં) નાખવા અને ભૂલચૂકની ક્ષમા માંગવી.

જીવંતિકા વ્રતનું ઉત્થાપન

શુક્રવારનો આખો દિવસ પૂજાનું સ્થાપન યથાવત રાખવું. શનિવારે સવારે શુભ મુહૂર્તમાં ઉત્થાપન વિધિ કરવી. પૂજામાં અર્પણ કરેલા ચોખા પક્ષીઓને નાખવા અથવા મંદિરમાં પધરાવવા અને માતાજીની છબી સુરક્ષિત સ્થાને મૂકી દેવી.