Jivantika Vrat 2026 Date: જીવંતિકા વ્રત ક્યારે છે? જાણો તારીખ, પૂજા વિધિ અને મહત્વ

Jivantika Vrat 2026 Date and Time: 14 ઓગસ્ટથી શરૂ થશે શ્રાવણ માસનું જીવંતિકા વ્રત. જાણો સંતાનના દીર્ઘાયુષ્ય માટે પૂજા વિધિ, લાલ વસ્ત્રોનું મહત્વ અને 5 શુક્રવારની તારીખો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 13 Aug 2026 10:18 AM (IST)Updated: Thu, 13 Aug 2026 10:18 AM (IST)
jivantika-vrat-2026-date-gujarati-calendar-puja-muhurat-and-significance

Jivantika Vrat 2026 Date and Time: આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ માસ દરમિયાન વિવિધ ધાર્મિક વ્રત-તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. માતૃશક્તિ માટે અત્યંત વિશેષ અને ફળદાયી ગણાતું 'જીવંતિકા વ્રત' શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારથી શરૂ થાય છે. આ વ્રત માતાઓ પોતાના સંતાનોના દીર્ઘાયુષ્ય, રક્ષણ, ઉત્તમ સ્વાસ્થ્ય અને પારિવારિક સૌભાગ્યની પ્રાપ્તિ માટે અત્યંત શ્રદ્ધાપૂર્વક કરે છે.

જીવંતિકા વ્રત 2026 તારીખ

વર્ષ 2026 માં શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવાર એટલે કે 14 ઓગસ્ટ 2026 થી જીવંતિકા વ્રતની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન કુલ 5 શુક્રવાર આવે છે. જીવંતિકા વ્રત શ્રાવણ મહિનાના કોઈપણ શુક્રવારે કરી શકાય છે.

  • પ્રથમ શુક્રવાર: 14 ઓગસ્ટ 2026
  • બીજો શુક્રવાર: 21 ઓગસ્ટ 2026
  • ત્રીજો શુક્રવાર: 28 ઓગસ્ટ 2026
  • ચોથો શુક્રવાર: 4 સપ્ટેમ્બર 2026
  • પાંચમો શુક્રવાર: 11 સપ્ટેમ્બર 2026

ખાસ નોંધ: પાંચમો શુક્રવાર (11 સપ્ટેમ્બર 2026) અમાસના દિવસે આવતો હોવાથી શાસ્ત્રોક્ત નિયમ મુજબ આ દિવસે વ્રત કરવાનું ટાળવું જોઈએ. જો કોઈ કારણસર પ્રથમ શુક્રવારે વ્રત શરૂ ન થઈ શકે, તો બીજા શુક્રવારથી પણ આ વ્રતનો પ્રારંભ કરી શકાય છે.

જીવંતિકા વ્રતનું ધાર્મિક મહત્વ

'જીવંતિકા' શબ્દનો અર્થ જીવન આપનારી અથવા જીવનનું રક્ષણ કરનારી દેવી થાય છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ જીવંતિકા દેવી સંતાનોની રક્ષા કરનારી પ્રત્યક્ષ શક્તિ છે. માન્યતા અનુસાર, જે ઘરમાં માતા જીવંતિકાનું પૂજન-અર્ચના થાય છે, ત્યાં બાળકો પર આવતી તમામ આધી-વ્યાધિ અને ઉપાધિઓ દૂર થાય છે. માતા જીવંતિકા અદૃશ્ય રૂપે બાળકની ચારેય તરફ રક્ષાકવચ બનીને રહે છે. કન્યાઓ તથા નવપરિણીત સ્ત્રીઓ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે અને માતાઓ પોતાના સંતાનોના રક્ષણ માટે આ નિયમ પાળે છે.

જીવંતિકા વ્રતની પૂજા વિધિ અને નિયમો

  • વહેલી સવારે સ્નાન કરી નિત્યકર્મ આટોપીને વ્રતનો સંકલ્પ લેવો.
  • પૂજા સ્થાન પર જીવંતિકા માતાના ચિત્ર કે ફોટાની સ્થાપના કરવી.
  • પૂજામાં અક્ષત (ચોખા), અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, દૂર્વા (દૂબ) અને પીળા કે લાલ પુષ્પો અર્પિત કરવા.
  • વ્રતમાં દૂબ અને ચોખાનું ખાસ મહત્વ રહેલું છે.
  • બાળકના મસ્તક પર કંકુનો ચાંદલો કરી તેના પર હળદરવાળા અક્ષત ચોંટાડીને માતાજી પાસે તેના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરાય છે.
  • પૂજન બાદ આખો દિવસ ઉપવાસ કે ફળાહાર રાખવો અને મા જીવંતિકાની વ્રત કથાનું વાંચન કે શ્રવણ કરવું.

જીવંતિકા વ્રત ખાસ પરંપરાઓ

  • સૌભાગ્યના પ્રતીક સમાન લાલ રંગનાં વસ્ત્રો મહિલાઓ મુખ્યત્વે આ દિવસે ધારણ કરે છે.
  • સામાન્ય રીતે આ વ્રતમાં સાત્વિક આહાર સાથે એકટાણું (એક વાર ભોજન) કરવામાં આવે છે.
  • વ્રતના અંતે અથવા શ્રાવણના અંતિમ શુક્રવારે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઘરે નોતરીને તેમનું પૂજન કરાય છે અને હળદર-કંકુ આપીને મીઠાઈ કે ભોજન કરાવવામાં આવે છે.