Jalaram Jayanti 2026: ક્યારે છે જલારામ બાપાની 227મી જન્મજયંતિ? જાણો તારીખ અને વીરપુરમાં થનારી ભવ્ય ઉજવણીની વિગત

Jalaram Jayanti 2026 Date: 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ'ના મંત્રને સાર્થક કરનાર સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ સાતમના રોજ ઉજવાય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 04 Jan 2026 01:19 PM (IST)Updated: Sun 04 Jan 2026 01:19 PM (IST)
jalaram-bapa-jayanti-2026-date-story-history-rituals-virpur-gujarat-667871

Jalaram Jayanti 2026 Date: સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના વિશ્વભરમાં લાખો ભાવિકો છે. 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ'ના મંત્રને સાર્થક કરનાર સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ સાતમના રોજ ઉજવાય છે. આ પાવન અવસર વર્ષ 2026 માં 16 નવેમ્બરના રોજ આવશે. વિક્રમ સંવત 2083 મુજબ આ દિવસે ભક્તો બાપાની 227મી જન્મજયંતિની ઉજવણી કરશે.

વીરપુરના સંતનો ગૌરવવંતો ઇતિહાસ

પૂજ્ય જલારામ બાપાનો જન્મ અંગ્રેજી કેલેન્ડર મુજબ 4 નવેમ્બર, 1799 ના રોજ ગુજરાતના વીરપુર મુકામે થયો હતો. નાનપણથી જ ભક્તિમય સ્વભાવ ધરાવતા બાપાએ માત્ર 18 વર્ષની વયે સંસારિક મોહમાયા છોડીને ફતેહપુરના ભોજા ભગતના શિષ્યત્વનો સ્વીકાર કર્યો હતો.

તેમનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ સેવા અને માનવતાને સમર્પિત હતું. તેમણે શરૂ કરેલું 'સદાવ્રત' આજે પણ અવિરતપણે ચાલુ છે, જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. એવી માન્યતા છે કે જલારામ બાપાના અન્ન ભંડારો અખૂટ હતા અને તેમના પર ઈશ્વરની વિશેષ કૃપા હતી. તેમનો પ્રભાવ એટલો વ્યાપક હતો કે હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયના લોકો તેમને શ્રદ્ધાથી પૂજે છે.

વીરપુરમાં થાય છે ભવ્ય ઉજવણી

જલારામ જયંતિના દિવસે વીરપુરધામમાં આસ્થાનું ઘોડાપૂર જોવા મળે છે. અંદાજ મુજબ, આ પાવન દિવસે લાખો શ્રદ્ધાળુઓ વીરપુરના મુખ્ય મંદિરે દર્શનાર્થે આવે છે. મંદિર વહીવટી તંત્ર દ્વારા ભાવિકો માટે મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, દેશ-વિદેશમાં આવેલા તમામ જલારામ મંદિરોમાં પણ આ દિવસે વિશેષ પૂજા, આરતી અને ગરીબોને વસ્ત્રદાન, ફળ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.