Diwali 2025, Lizard Sighting : ભારતીય સંસ્કૃતિમાં દરેક પર્વ સાથે કેટલીક પારંપારિક માન્યતાઓ સંકળાયેલી છે. દિવાળી જેને પ્રકાશ પર્વ કહેવામાં આવે છે, તેની સાથે પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. આ દિવસે લક્ષ્મી પૂજા, દીવા પ્રગટાવવા અને મીઠાઈઓ વહેચવા ઉપરાંત એક રસપ્રદ માન્યતા પ્રચલિત છે. જો દિવાળીના દિવસે તમને ક્યાંય પણ ગરોળી દેખાય, તો તે સૌભાગ્યનો સંકેત માનવામાં આવે છે.
દિવાળી પહેલા જ ગરોળી કેમ ગાયબ થઈ જાય છે?
મોટાભાગે ચોમાસા પછી નવરાત્રિ આવે, ત્યારે જ્યાં લાઈટ હોય તેની આસપાસ નાની જીવાત એકઠી થાય, ત્યારે ગમે ત્યાંથી ગરોળી આવી જતી હોય છે. જો કે દિવાળીના થોડા દિવસો પહેલા જ ઘરમાંથી ગરોળીઓ દેખાતી અચાનક બંધ થઈ જાય છે. જેની પાછળ અનેક કારણ છે.
દિવાળીની સફાઈ: દિવાળીના તહેવાર પહેલા ઘરની વ્યવસ્થિત સાફ-સફાઈ કરવામાં આવે છે. જેના કારણે નાની-નાની જીવાતો અને કીડી-મકોડા ખતમ થઈ જાય છે. ગરોળી મોટાભાગે આવી જીવાતો પર નિર્ભર રહેતી હોય છે. આથી ખોરાક ના મળવાના કારણે તે ઘર છોડીને જતી રહે છે.
વૈજ્ઞાનિક કારણ: ગરોળીનું લોહી ઠંડુ હોય છે. એટલે કે ગરોળી પોતાના શરીરનું તાપમાન પોતાની રીતે કંટ્રોલ નથી કરી શકતી. ઓક્ટોબર થી ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન ઠંડી વધવા લાગે છે, ત્યારે ગરોળીઓ હાઈબરનેશનમાં જતી રહે છે. આવી અવસ્થામાં તે પોતાની ચયાપચયની ક્રિયાઓને મંદ કરે છ અને ઉર્જા બચાવે છે.
આ દરમિયાન ગરોળીઓ દીવાલની તિરાડો, પેડની છાલ કે પથ્થરોની નીચે સંતાઈ જાય છે. આથી દિવાળીની સમયે, જ્યારે ઠંડીની શરૂઆત થાય, ત્યારે ગરોળીઓ દેખાવાનું બંધ થઈ જાય છે.
જે બાદ જ્યારે વાતાવરણ ગરમ થવા લાગે અને તાપમાન વધે, ત્યારે ગરોળીઓ ફરીથી સક્રિય થઈ જાય છે. માર્ચ-એપ્રિલથી માંડીને ચોમાસા સુધી ગરોળીઓ ઘરની દિવાલો અને છત પર જોવા મળે છે.
દિવાળી પર્વ પર ગરોળી દેખાવવી એક પૌરાણિક શુભ માન્યતા છે, જે કદાચ કુદરતના ચક્ર સાથે સંકળાયેલી છે. લોકવાયકા તેને સૌભાગ્યનો સંકેત માને છે, તો વિજ્ઞાન તેની પાછળ કુદરતી હાઈબરનેશનની પ્રક્રિયાને જવાબદાર ઠેરવે છે. આમ ગરોળી દેખાવવી શુભ હોવાની માન્યતા પરંપરા અને વિજ્ઞાન બન્નનો સુંદર સમન્વય રજૂ કરે છે.