Garud Puran Upay: હિન્દુ ધર્મના મહત્ત્વપૂર્ણ ગ્રંથો પૈકી એક ગરુડ પુરાણમાં સારી રીતે જીવન જીવવા અને મરણોપરાંત થનારા ઘટનાક્રમ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે જ ગરુડ પુરાણમાં દૈનિક જીવન સાથે સંકળાયેલી કેટલીક ખાસ બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વૈષ્ણવ સંપ્રદાયના આ પવિત્ર ગ્રંથમાં ભગવાન વિષ્ણુએ માત્ર મૃત્યુ પછીના રહસ્યોનો ઉકેલ આપ્યો હોય તેવું નથી, પરંતુ મનુષ્યના જીવતા રહેવા દરમિયાન જીવનને સુખી અને સફળ બનાવવાના ઉપાય પણ સમજાવવામાં આવ્યા છે.
સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે, વ્યક્તિએ કરેલા કર્મ પ્રમાણે તેના જીવનમાં સુખ-દુખ આવતા રહે છે. આવી જ રીતે ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં કેટલાક ખાસ પુણ્ય કર્મ કર્યા હશે, તો તે માત્ર પોતાના જ નહીં, પરંતુ તેની આવનારી સાત પેઢીઓના દુઃખ દૂર કરીને સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે. તો ચાલો ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલા આવા કેટલાક ઉપાય વિશે વિગતવાર જાણીએ…
સ્નાનઃ ગરુડ પુરાણ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત સ્નાન સાથે જ કરવી જોઈએ. જે વ્યક્તિ દરરોજ સ્નાન કરીને પવિત્ર થઈ જાય છે, તેનો પછી આખો દિવસ સારી રીતે પસાર થાય છે.
કુળદેવી અને પિતૃઓનું સ્મરણઃ ગરુડ પુરાણમાં સ્નાન કર્યાં બાદ પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે .દરેક પરિવારની શક્તિ તેમની કૂળદેવી કે કૂળદેવતામાં રહેલી હોય છે. આથી તેમની નિયમિત પૂજા કરવાથી તેઓ આપણી આવનારી પેઢીઓની રક્ષા કરે છે.
આ સાથે જ પિતૃઓ પ્રત્યે પણ શ્રદ્ધા રાખીને તેમના માનમાં દાન કરવું જોઈએ. જે પરિવાર પર પિતૃ અને કૂળદેવી કે કૂળદેવતાના આશીર્વાદ હોય, તે પરિવારમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. આ સાથે પરિવારમાં કોઈનું પણ અકાળે અવસાન નથી થતું.
દાનઃ ગરુડ પુરાણ પ્રમાણે, દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે કોઈ ભૂખ્યા કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું જ જોઈએ. અન્નદાન પરિવારના દોષને દૂર કરવા સાથે આવનારી પેઢીઓ માટે હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
મુંગા પ્રાણીઓની સેવાઃ ગરુડ પુરાણ પ્રમાણે, દૈનિક ભોજનમાં સૌથી પહેલી રોટલી ગૌ માતા અને અંતિમ રોટલી શ્વાન માટે અલગથી નીકાળી દેવી જોઈએ. આ સિવાય પક્ષીઓને ચણ નાંખવી, માછલીઓને લોટ ખવડાવવો જેના નાના-નાના ઉપાયો પણ વ્યક્તિની કુંડળીના દોષને શાંત કરે છે.
ભગવાનનો ભોગ ધરાવવોઃ ગરુડ પુરાણ વ્યક્તિને વિનમ્રતા અને કૃતજ્ઞતા પણ શીખવાડે છે. આપણી પાસે જે કંઈ પણ છે, તે ઈશ્વરનો પ્રસાદ જ છે. આથી ઘરમાં બનેલ ભોજનને ગ્રહણ કરતાં પહેલા ભગવાનને ભોગ અચૂક ધરાવવો જોઈએ. સાત્વિક ભોજનનો ઈશ્વરને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે તેમજ ઘરમાં પણ બરકત બની રહે છે.
