Dussehra 2026 Date: ભારતીય સંસ્કૃતિમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન 'વિજયાદશમી' એટલે કે દશેરાના પર્વનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કરીને ધર્મનો વિજય અપાવ્યો હતો, તેની યાદમાં દર વર્ષે આસો સુદ દશમના રોજ આ તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2026 માં આ મહાપર્વ 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
દશેરા 2026 ક્યારે છે?
હિન્દુ પંચાંગ અને જ્યોતિષીય ગણતરી અનુસાર, અશ્વિન માસના શુક્લ પક્ષની દશમી તિથિનો પ્રારંભ 20 ઓક્ટોબર, 2026 ના રોજ બપોરે 12:50 વાગ્યે થશે, જે પૂર્ણ 21 ઓક્ટોબર, 2026 ના રોજ બપોરે 02:11 વાગ્યે થશે. ઉદયાતિથિના નિયમ મુજબ, દશેરાનો તહેવાર 20 ઓક્ટોબરને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવાશે.
રાવણ દહન માટેનું શુભ મુહૂર્ત
દશેરાના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા દહનનું અનેરું આકર્ષણ હોય છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ, રાવણ દહન હંમેશા પ્રદોષ કાળમાં (સૂર્યાસ્ત પછી) કરવું જોઈએ. આ વર્ષે દશેરા પર સૂર્યાસ્તનો સમય સાંજે 05:48 વાગ્યે રહેશે. તેથી, સૂર્યાસ્ત બાદ રાવણ દહન કરવું શાસ્ત્રસંમત અને શુભ ગણાશે.
દશેરા શુભ મુહૂર્ત
દશેરા માત્ર ઉત્સવ નથી, પરંતુ નવા કાર્યો અને સાહસોની શરૂઆત માટે અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે અલગથી શુભ મુહૂર્ત શોધવાની કે જ્યોતિષીની સલાહ લેવાની જરૂર પડતી નથી. લગ્ન, ગૃહપ્રવેશ, નવો વ્યવસાય શરૂ કરવો, વાહન કે મિલકત ખરીદવી, નવું બેંક ખાતું ખોલવું અથવા જીવનસંબંધિત કોઈ મહત્વનો નિર્ણય લેવો-આ બધું જ દશેરાના દિવસે શુભ ગણાય છે. કહેવાય છે કે વિજયાદશમી (દશેરા) પર શરૂ કરાયેલ દરેક કાર્ય સફળતા, પ્રગતિ અને દીર્ઘકાળીન સમૃદ્ધિ લાવે છે.
