Diwali 2026 Laxmi Puja Muhurat, Lakshmi Puja Vidhi in Gujarati: પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ એટલે દિવાળી. દર વર્ષે કાર્તિક માસની અમાસની અંધારી રાત્રે આ દીપોત્સવી પર્વ દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર, આ પાવન રાત્રે માતા મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોના ઘરે પધરામણી કરે છે. આ ઉપરાંત, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે.
વર્ષ 2026માં દિવાળીનો તહેવાર 08 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રદોષ કાળ અને રાત્રિના શુભ મુહૂર્તમાં ધનનાં દેવી લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશ અને જ્ઞાનનાં દેવી સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ વર્ષે પૂજા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત અને વિધિ નીચે મુજબ છે.
દિવાળી 2026 તિથિ અને તારીખ
હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિનો પ્રારંભ 08 નવેમ્બરના રોજ સવારે 11:27 વાગ્યે થશે અને 09 નવેમ્બરના રોજ બપોરે 12:31 વાગ્યે પૂર્ણ થશે. દિવાળીની પૂજા પ્રદોષ કાળ અને નિશીથ કાળ(રાત્રિ)માં થતી હોવાથી, 08 નવેમ્બર 2026 ના રોજ દિવાળી ઉજવવી શાસ્ત્રસંમત રહેશે.
લક્ષ્મી પૂજા માટે શુભ મુહૂર્ત
- પ્રદોષ કાળ: સાંજે 05:58 થી રાત્રે 08:32 વાગ્યા સુધી.
- વૃષભ લગ્ન: સાંજે 06:22 થી રાત્રે 08:20 વાગ્યા સુધી.
આ બે શુભ સમય ઉપરાંત, દેવી લક્ષ્મીની પૂજાનો ખાસ શુભ સમય સાંજે 06:22 વાગ્યે શરૂ થશે અને રાત્રે 08:20 વાગ્યે સમાપ્ત થશે, જેનો સમયગાળો 1 કલાક 58 મિનિટનો રહેશે.
દિવાળી 2026 લક્ષ્મી પૂજા માટે શુભ ચોઘડિયા મુહૂર્ત
- સવારનું મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 11:27 AM થી 12:23 PM
- બપોરનું મુહૂર્ત (શુભ): 01:47 PM થી 03:11 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચલ): 05:58 PM થી 10:47 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ): 02:00 AM થી 03:36 AM (તારીખ 09 નવેમ્બર)
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ): 05:13 AM થી 06:49 AM (તારીખ 09 નવેમ્બર)
દિવાળી પૂજા વિધિ
- દિવાળીની સાંજે સ્નાન કરી પવિત્ર થઈને પૂજા કરવી જોઈએ.
- પહેલા પૂજા સ્થાનને સાફ કરી, ગંગાજળ છાંટી એક બાજોઠ (ચોકી) ગોઠવો.
- તેના પર લાલ અથવા સફેદ વસ્ત્ર પાથરીને લક્ષ્મીજી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો.
- કળશ પર મૌલી (નાડાછડી) બાંધી તેમાં સોપારી, દૂર્વા, અક્ષત અને સિક્કો પધરાવો.
- કળશ પર આસોપાલવ કે આંબાના પાન મૂકી તેના પર નારિયેળ સ્થાપિત કરો.
- મૂર્તિઓને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવો.
- ત્યારબાદ કંકુ, અક્ષત અને હળદરથી તિલક કરો.
- વસ્ત્ર, કમળનું ફૂલ, ગુલાબ અને અત્તર અર્પણ કરો.
- માતા લક્ષ્મીને કેસરવાળી ખીર અને ગણેશજીને લાડુનો ભોગ ધરાવો.
- અંતમાં ઘીનો દીવો પ્રગટાવી પરિવાર સાથે આરતી કરો અને સૌને પ્રસાદ વહેંચો.
પૂજા માટેના સિદ્ધ મંત્રો
પૂજા દરમિયાન નીચેના મંત્રોનો જાપ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે:
- શ્રી ગણેશ બીજ મંત્ર: ॐ गं गणपतये नमः
- ગણેશ ગાયત્રી મંત્ર: ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभः। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
- લક્ષ્મી બીજ મંત્ર: ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः
- મહાલક્ષ્મી મંત્ર: श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥
- લક્ષ્મી ગાયત્રી મંત્ર: ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि, तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥
