Dhanteras 2025: આજે ધનતેરસના પર્વને ધન્વંતરિ ત્રયોદશી પણ કહેવામાં આવે છે. દિવાળીના પર્વની આજે ધનતેરસથી શરૂઆત થઈ ચૂકી છે. આ તહેવાર ખાસ કરીને ધન, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મનાવવામાં આવે છે.
પૌરાણિક માન્યતા મુજબ, આજ દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથનથી અમૃત કળશ લઈને પ્રકટ થયા હતા. આથી જ આ દિવસે સોના, ચાંદીના દાગીના, ધાતુના વાસણ સહિત અન્ય વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. ધનતેરસે ધનની દેવી માઁ લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજાનું વિશેષ મહત્વ છે. આ સાથે જ સાંજે દીવા પ્રગટાવવાનું પણ આગવું ધાર્મિક મહત્ત્વ છે.
દીવા પ્રગટાવવાનું ધાર્મિક મહત્ત્વ અને યોગ્ય દિશા
ધનતેરસની સાંજે ઘરના મુખ્ય દ્વાર, બારીઓ અને આંગણામાં દીવા પ્રગટાવવા જોઈએ. આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને સુખ-સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે.
આ દિવસે યમરાજના નામનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાયથી પરિવાર પર અકાળે મૃત્યુની અસર ઓછી થઈ જાય છે. દીવા પ્રગટાવવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને લક્ષ્મીનો વાસ થાય છે.
આ વર્ષે દીવા પ્રગટાવવા માટેનો શુભ સમય સાંજે 5:48 કલાકથી 7:04 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન દીવો પ્રગટાવવો અત્યંત લાભકારી સિદ્ધ થાય તેમ માનવામાં આવે છે.
દીવા પ્રગટાવવાના નિયમ (Dhanteras 2025 Upay)
- ધનતેરસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ રહે છે
- દીવાને પ્રગટાવીને મૂકતા પહેલા તે સ્થાનને વ્યવસ્થિત સાફ કરો. આ પૂજા સ્થળની પવિત્રતા અને પોઝિટિવ એનર્જીને વધારવાનું કામ કરે છે.
- દીવો પ્રગટાવતી વખતે ॐ श्रीं महालक्ष्म्यै नमः અથવા ॐ कुबेराय नमः મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી પૂજાનો પ્રભાવ વધે છે અને ઘરમાં લક્ષ્મી-કુબેરની કૃપા વરસે છે.
ધનતેરસે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ (Dhanteras Rituals)
ધનતેરસે 13 દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે. જે પૈકી પહેલો દીવો ઘરની બહાર કોઈ પણ ખૂણામાં પ્રગટાવવો જોઈએ. જેનો ઉદ્દેશ્ય ઘરને અશુભ શક્તિઓની અસરથી મુક્ત કરવા અને લક્ષ્મી-કુબેરને આમંત્રણ આપવાનો છે. ઘરની અંદર દીવો પ્રગટાવીને રાખવાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને પરિવારમાં ખુશહાલી આવે છે.
દીવો પ્રગટાવવો એક માત્ર ધાર્મિક વિધિ જ નથી, પરંતુ તે આધ્યાત્મિક શુદ્ધિ અને માનસિક સંતુલનનું પણ પ્રતિક છે. દીવાના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે અને જીવનમાં સફળતા લાવે છે.
