Chanakya Niti For Parenting: આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલી 'ચાણક્ય નીતિ' એક પ્રાચીન ગ્રંથ છે, જેમાં માનવ જીવનની દરેક પરિસ્થિતિઓ અંગે સલાહ આપવામાં આવી છે. આ સલાહને અપનાવીને વ્યક્તિ સફળ થઈ શકે છે.
ચાણક્યએ પોતાની નીતિઓમાં પેરેન્ટિંગ અને પરિવાર સાથેના સબંધોને લઈને પણ કેટલીક અગત્યની સલાહ આપી છે. જેમાં પિતા અને પુત્રીના સબંધોને લઈને પણ કેટલીક વાતો જણાવવામાં આવી છે, જેને અપનાવીને પિતા-પુત્રીના સબંધોમાં મધુરતા જળવાઈ રહે છે.
ચાણક્યના જણાવ્યા પ્રમાણે, પિતા-પુત્રીનો સબંધ ખૂબ જ પવિત્ર હોય છે, જે પરિવારનો પાયો ગણાય છે. કોઈ પણ પિતાએ પોતાની પુત્રીની સાથે કેટલાક એવા કામો કરવાનું ટાળવું જોઈએ. જો તમે પણ કોઈ પુત્રીના પિતા હોવ અને તેનો ઉછેર કરતા હોવ તો આજે અમે આપને જણાવીશું કે, તમારે કંઈ-કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- નાતિસનદતિ કન્યા પિતા યઃ સ્વેચ્છયા ચરેતઃ ચાણક્ય નીતિના આ શ્લોકનો અર્થ છે કે, પિતાએ ક્યારેય પણ પુત્રી પર બિનજરૂરી રોક-ટોક ના કરવી જોઈએ. દીકરીને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાની પિતાની ફરજ છે. દીકરીને દરેક બાબતે ટોકવાથી તેનું અસલી વ્યક્તિત્વ દબાઈ શકે છે.
- પિતા ધર્મઃ સ્વયં રક્ષેત કન્યા દ્રષ્ટયા પ્રભાવિતઃ ચાણક્ય કહે છે કે, દીકરીના સારા ઉછેર માટે પિતાએ પોતાનું આચરણ પણ સારું રાખવું જોઈએ. આવું એટલા માટે કે, દીકરી પિતાને પોતાનો પહેલો આદર્શ અને માર્ગદર્શક માને છે. જો પિતા જ ખોટું કામ કરતો હશે, તો તેની ખરાબ અસર દીકરીના વ્યક્તિત્વ પર પણ પડે છે. જેનાથી દીકરી ખોટી દિશામાં જઈ શકે છે અને પરિવાર વેરવિખેર થવાની શક્યતા વધી જાય છે.
- કન્યા રક્ષા પિતા ધર્મઃ યત્ર ન સ્યાત્ તત્ર દોષઃ આચાર્ય ચાણક્યના મતે દીકરીની સુરક્ષા જ પિતાનો સૌથી મોટો ધર્મ હોય છે. આથી પિતાએ પુત્રીની શારીરિક, માનસિક અને સામાજિક સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ચાણક્યએ દીકરીની રક્ષા માટે પિતાને સતર્ક રહેવાની સલાહ આપી છે.
- કન્યા દાન વિચાર્ય સ્યાત ન ત્વરયા ન ચલસ્યેઃ ચાણક્ય નીતિ અનુસાર, એક પિતાએ દીકરીના લગ્ન ખૂબ જ સમજી વિચારીને કરવા જોઈએ. દીકરીને પરણાવવામાં ક્યારેય ઉતાવળ ના કરવી જોઈએ. યોગ્ય જીવનસાથી મળે, ત્યારે જ લગ્ન કરાવવા જોઈએ, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. સારો પતિ મળવાથી દીકરીનું પરિવારીક જીવન પણ ખુશહાલ રહે છે. જો પિતાએ ગમે-તેવા વ્યક્તિ સાથે દીકરીને પરણાવી દીધી હશે, તો પુત્રીનો પરિવાર ગમે ત્યારે વિખેરાઈ શકે છે.
