Chaitra Navratri 2026 Date and Time (ચૈત્ર નવરાત્રી 2026): વર્ષ 2026 ના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે શ્રદ્ધાળુઓમાં અત્યારથી જ આગામી ચૈત્ર નવરાત્રીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ભલે નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થતું હોય, પરંતુ હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે. આ પવિત્ર દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026 માં ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થશે.
ચૈત્ર નવરાત્રી 2026 ની તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચના રોજ છે. તેથી, ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 19 માર્ચ, 2026 થી થશે અને તેની પૂર્ણાહુતિ 27 માર્ચના રોજ થશે. ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે 27 માર્ચના રોજ રામ નવમીનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવશે.
ચૈત્ર નવરાત્રી 2026 કળશ સ્થાપના મુહૂર્ત (ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત)
નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના (ઘટસ્થાપન) નું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષીય ગણતરી મુજબ, 19 માર્ચના રોજ ઘટસ્થાપન માટે નીચે મુજબના શુભ મુહૂર્ત રહેશે:
- સવારનું મુહૂર્ત: 6:52 થી 7:46 સુધી
- અભિજીત મુહૂર્ત: બપોરે 12:04 થી 12:52 સુધી
કયા દિવસે કઈ દેવીની પૂજા થશે?
- 19 માર્ચ: મા શૈલપુત્રી (પ્રતિપદા)
- 20 માર્ચ: મા બ્રહ્મચારિણી (દ્વિતીયા)
- 21 માર્ચ: મા ચંદ્રઘંટા (તૃતીયા)
- 22 માર્ચ: મા કુષ્માંડા (ચતુર્થી)
- 23 માર્ચ: મા સ્કંદમાતા (પંચમી)
- 24 માર્ચ: મા કાત્યાયની (ષષ્ઠી)
- 25 માર્ચ: મા કાલરાત્રી (સપ્તમી)
- 26 માર્ચ: મા મહાગૌરી (અષ્ટમી)
- 27 માર્ચ: મા સિદ્ધિદાત્રી (નવમી/રામ નવમી)
પૂજા માટે જરૂરી સામગ્રી
ઘટસ્થાપન માટે ભક્તોએ કળશ, ગંગાજળ, આસોપાલવ અથવા કેરીના પાન, સોપારી, કંકુ (રોલી), શ્રીફળ (નાળિયેર), સપ્તધાન્ય (અનાજ), માટીનું પાત્ર, લાલ દોરો, સિક્કો, એલચી, લવિંગ, કપૂર, અક્ષત, હળદર, લાલ વસ્ત્ર અને અખંડ જ્યોત માટે દીવો તથા રૂની વાટ જેવી સામગ્રી એકત્ર કરવાની રહેશે.
નવરાત્રી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
- ધાર્મિક માન્યતાઓ મુજબ, નવરાત્રી દરમિયાન ઘર અને પૂજા સ્થાનની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- આ પવિત્ર દિવસોમાં સાત્વિક ભોજન જ લેવું જોઈએ.
- પૂજા સમયે કાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.
- ઘરમાં વાદ-વિવાદ કે ઝઘડા ટાળવા અને શાંતિ જાળવવી.
- જો અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તેનું સતત ધ્યાન રાખવું.
- માતાજીની ભક્તિ અને ઉપવાસથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધાળુઓની દ્રઢ માન્યતા છે.
