Chaitra Navratri Ashtami 2026: ચૈત્રી નવરાત્રિની અષ્ટમીએ અંબાજી અને ખેડબ્રહ્મામાં ભક્તિનો મહાસાગર, ‘જય અંબે’ના નાદથી શક્તિપીઠ ગુંજ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા, જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર આઠમને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 26 Mar 2026 12:02 PM (IST)Updated: Thu, 26 Mar 2026 12:02 PM (IST)
chaitra-navratri-ashtami-2026-pilgrims-visit-famous-ambaji-khedbrahma-shaktipeeths-in-gujarat

Chaitra Navratri Ashtami 2026: ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજે દુર્ગાષ્ટમીના શુભ અવસરે આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી અને ખેડબ્રહ્માના નાના અંબાજી મંદિરમાં માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, જેથી સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

અંબાજીમાં બે મંગળા આરતીનું વિશેષ મહત્વ

અંબાજી ખાતે, ચૈત્રી આઠમના દિવસે વહેલી સવારે 6 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં એક વિશિષ્ટ પરંપરા અનુસાર, એકમથી આઠમ સુધી દરરોજ બે મંગળા આરતી કરવામાં આવે છે – એક મુખ્ય ગર્ભગૃહમાં અને બીજી ઘટ સ્થાપના પાસે. ભક્તોએ માતાજીના મનમોહક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, નવમીથી મંદિરમાં પૂર્વવત રીતે સવારની એક જ મંગળા આરતી થશે.

સમગ્ર અંબાજી મંદિર પરિસરને સુંદર શણગાર કરાયો

મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર અંબાજી મંદિર પરિસરને દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ મનોહર સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યાં ફૂલોની સુગંધ અને રોશનીથી વાતાવરણ દિવ્ય અને મનમોહક બન્યું છે. માતાજીના આશીર્વાદ લેવા માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ હજારો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. કાળઝાળ ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે ભક્તોની ભીડ

સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા, જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર આઠમને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે સવારે 5.15 કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ 108 પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ સવારે 6 વાગ્યે કલાકે માતાજીની મંગળા આરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો. ભક્તોએ માતાજીના કમળ પર સવારીના જગદંબા સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રીની આઠમનો હવન માતાજીના મંદિર પરિસરમાં શરૂ થયો હતો, જે સાંજે 4 થી 4.30 દરમિયાન શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે.